અમેરિકી એજન્સી મૂડીઝે પોલ ખોલી : ભારતની નિકાસ વધી, અમેરિકા પર નિર્ભરતા ઘટી
નવી દિલ્હી તા.13 : અમેરિકાએ
ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની દબાણ નીતિના ભાગ રૂપે,
ભારત પર એકપક્ષીય ટેરિફ લાદવામાં આવ્યો હતો. હવે અમેરિકાની રાટિંગ એજન્સીએ ટેરિફ અસરના
દાવાની હવા કાઢી છે.
અમેરિકી એજન્સી મૂડીઝ મુજબ, અમેરિકાએ
કેટલાક ભારતીય ઉત્પાદનો પર 50% સુધી ટેરિફ લાદ્યો હોવા છતાં ભારત પોતાની નિકાસ વધારવામાં
સફળ રહ્યું છે. સપ્ટેમ્બરમાં ભારતની કુલ નિકાસમાં 6.75% નો વધારો થયો હતો, જ્યારે અમેરિકામાં
મોકલવામાં આવતા માલમાં 11.9% નો ઘટાડો થયો હતો. જે સૂચવે છે કે ભારતે તેની અમેરિકા-કેન્દ્રિત
વેપાર નિર્ભરતા ઘટાડી છે અને અન્ય બજારોમાં તેની પહોંચ વધારી છે. ભારત હવે ફક્ત અમેરિકા
પર નિર્ભર રહેશે નહીં.
વૈશ્વિક વેપાર તણાવ અને ફુગાવા
જેવા પડકારો છતાં મૂડીઝ રાટિંગ્સે ભારતના અર્થતંત્ર પર સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખ્યો
છે. તેના ગ્લોબલ મેક્રો આઉટલુક 2026-27 રિપોર્ટમાં એજન્સીનો અંદાજ છે કે આગામી બે વર્ષ
સુધી ભારતીય અર્થતંત્ર આશરે 6.5% ના વાર્ષિક દરે વૃદ્ધિ પામશે. આ સમયગાળા દરમિયાન ભારત
જી-20 દેશોમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહેવાની શક્યતા છે.
ભારતીય અર્થતંત્રના મજબૂત થવા
પાછળ ત્રણ મુખ્ય કારણોમાં સતત માળખાગત રોકાણ, મજબૂત સ્થાનિક ગ્રાહક માગ અને નિકાસને
વેગ આપવા માટે વ્યૂહરચના પર કામ કરવું દર્શાવાયું છે. ફુગાવાને નિયંત્રિત કરવા અને
વ્યાજ દર ઘટાડવાથી ભારતીય અર્થતંત્ર મજબૂત થવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. મૂડીઝે ભારતીય
અર્થતંત્ર માટે 6.5% વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે, જ્યારે 2026-27 દરમિયાન વૈશ્વિક જીડીપીમાં
માત્ર 2.5-2.6% વૃદ્ધિનો અંદાજ છે, ઉભરતા અર્થતંત્રો લગભગ 4% દરે વૃદ્ધિ પામી શકે છે.
અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ખાનગી ક્ષેત્રનો મૂડી ખર્ચ ધીમો રહે છે અને મોટા
પાયે વ્યવસાયિક રોકાણ સંપૂર્ણપણે પુન:પ્રાપ્ત થયું નથી.