હા-હા... અમે પણ છેડછાડ કરીને બનાવવામાં આવેલા તે વીડિયોને જોયો છે : સીજેઆઈ ગવઈ
નવી દિલ્હી, તા.10: દેશમાં ન્યાયધીશો
વિરુદ્ધ ખોટા આરોપ નાખવાનાં વધી રહેલા ચલણ સામે દેશનાં પ્રમુખ ન્યાયમૂર્તિ(સીજેઆઈ)
બી.આર.ગવઈએ સખત નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો કોઈ પક્ષની તરફેણમાં
આદેશ આપવામાં ન આવે એટલે જજ સામે ખોટા આરોપ મૂકવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે.
સીજેઆઈ ગવઈએ આજે ભરી અદાલતમાં
ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, આજકાલ સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી
આ કોર્ટનાં જજોને છે. તેમણે સોશિયલ મીડિયામાં પ્રસારિત થયેલા એક નકલી વીડિયો બારામાં
આ ટિપ્પણી કરી હતી. આ વીડિયોમાં તેમનાં ઉપર જૂતું ફેંકવાનાં પ્રયાસની ઘટનાને ખોટી રીતે
દર્શાવવામાં આવ્યો હતો. જજ અને અદાલત વિરુદ્ધ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને અન્ય ડિજીટલ
ઉપકરણોનાં દુરુપયોગથી પણ સારી રીતે વાકેફ છે.
સીજેઆઈ દ્વારા આ ટિપ્પણી એક જનહિત
અરજીની સુનાવણીમાં કરવામાં આવી હતી. જેમાં અરજદાર તરફથી ભારતીય ન્યાયપાલિકામાં એઆઈનાં
ઉપયોગને નિયમિત કરવા માટે દિશાનિર્દેશો કે પછી નીતિ તૈયાર કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ
આપવા માટે માગણી કરવામાં આવી હતી. જેને પગલે સીજેઆઈ ગવઈએ કહ્યું હતું કે, હા-હા...
અમે પણ છેડછાડ કરીને બનાવવામાં આવેલા તે વીડિયોને જોયો છે.