• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

આતંકી નેટવર્ક સામે એક્શન : કાશ્મીરમાં 100ની પૂછપરછ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો આતંકવાદના સમર્થનમાં ઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી

શ્રીનગર, તા. 10 : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના નેટવર્કને ધ્વસ્ત કરવાન માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના હેઠળ કાશ્મીર ઘાટીના 100થી વધારે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં કાશ્મીર ઘાટી અને જમ્મુ પ્રાંત બન્નેમાં ડઝનેક ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા એવા લોકો ઉપર કેન્દ્રીત હતા જેઓ આતંક સમર્થક હોવાની આશંકા છે. આ ઉપરાંત પીએકે અથવા પાકિસ્તાનીઓના સંપર્કમાં હોવાનો આરોપ હતો.

પોલીસ પ્રવક્તાના કહેવા પ્રમાણે આતંકવાદનું ઓનલાઈન મહિમામંડન કરવા અને યુવાનોને કટ્ટરપંથી બનાવવા અંગે વિશ્વસનિય સુત્રો અનુસાર ગુપ્ત જાણકારી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરતા કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીરની ટીમે શ્રીનગર, કુલગામ, બારામુલા, શોપિયા અને પુલવામામાં 10 સ્થળોએ દરોડા પાડયા હતા. ઓનલાઈન આતંકવાદી નેટવર્ક ઉપર વ્યાપક કાર્યવાહી કરતા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં એવા લોકો કેન્દ્રીત હતા જેઓ ઉપર હિંસા ભડકાવવા, રાષ્ટ્રવિરોધી દુષ્પ્રચાર કરવા અને સાંપ્રદાયિક ધૃણા ફેલાવવા માટે સોશિયલ મીડિયા મંચનો દુરુપયોગ કરવાનો આરોપ હતો.

પ્રવક્તા અનુસાર ફોરેન્સીક તપાસ માટે સિમ કાર્ડ, મોબાઈલ ફોન, ટેબલેટ અને ઘણા ડિજીટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત સામગ્રીમાંથી મહત્ત્વના પુરાવા મળવાની સંભાવના છે. જેનાથી આગળની કાર્યવાહી અને તપાસનો રસ્તો સાફ થશે.

છેલ્લા અમુક દિવસમા દેશભરમાં આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાતમાંથી આતકવાદી પકડાયા બાદ હરિયાણામાંથી મોટાપાયે વિસ્ફોટકો બરામદ થયા હતા. આ ઉપરાંત સોમવારે મોડી સાંજે દિલ્હીમાં કાર વિસ્ફોટ પણ થયો હતો. તેવામાં આખા દેશમાં આતંકવાદી પ્રવૃતિ ઉપર લગામ કસવા માટે સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ચુકી છે અને શંકાસ્પદોને દબોચી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કાશ્મીરમાં પણ આતંકવાદને ડામવા માટે ચોક્કસ માહિતીને ધ્યાને રાખીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક