હિન્દુ હોવાનો અર્થ સમજાવતાં સંઘ વડા : ભારતમાં રહેતાં તમામ હિન્દુ હોવાનો પુનરોચ્ચાર
બેંગ્લુરુ, તા.9 : રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે હિન્દુઓ ભારત માટે
જવાબદાર છે. આરએસએસનો ઉદ્દેશ્ય સત્તા માટે નથી, પરંતુ રાષ્ટ્રના ગૌરવ માટે હિન્દુ સમાજને
સંગઠિત કરવાનો છે. ભારતમાં કોઈ બિન-હિંદુ નથી કારણ કે દરેક વ્યક્તિ એક જ પૂર્વજોમાંથી
આવે છે અને દેશની મુખ્ય સંસ્કૃતિ હિન્દુ છે.
સંઘ વડા ભાગવત બેંગલુરુમાં સંઘની
યાત્રાના 100 વર્ષ : નવી ક્ષિતિજો વિષય પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે
સંઘ જેવી સંગઠિત શક્તિ ઉભી થાય છે ત્યારે તે સત્તા શોધતી નથી. તે સમાજમાં મહત્વ શોધતી
નથી. તે ફક્ત સેવા કરવા માગે છે, ભારત માતાના ગૌરવ માટે સમાજને સંગઠિત કરવા માગે છે.
તેમણે કહ્યું કે જ્યારે પૂછવામાં
આવ્યું કે આરએસએસ હિન્દુ સમાજ પર કેમ ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે જવાબ એ છે કે
હિન્દુઓ ભારત માટે જવાબદાર છે. એવું નથી કે અંગ્રેજોએ આપણને રાષ્ટ્રત્વ આપ્યું, આપણે
એક પ્રાચીન રાષ્ટ્ર છીએ. ભારતમાં ખરેખર કોઈ બિન-હિન્દુ નથી અને બધા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ
એક જ પૂર્વજોના વંશજ છે. જાણીને કે અજાણતાં દરેક વ્યક્તિ ભારતીય સંસ્કૃતિનું પાલન કરે
છે, તેથી કોઈ પણ બિન-હિન્દુ નથી અને દરેક હિન્દુએ સમજવું જોઈએ કે તેઓ હિન્દુ છે કારણ
કે હિન્દુ હોવાનો અર્થ ભારત માટે જવાબદાર હોવાનો છે.