બિહારના બેતિયા, સીતામઢીમાં ચૂંટણી રેલી ગજાવતાં વડાપ્રધાન
પટણા
તા.8 : બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે બેતિયા
અને સીતામઢીમાં ચૂંટણી રેલીઓ યોજી હતી. બેતિયા રેલીમાં તેમણે કહ્યું કે આ તેમની ચૂંટણીની
છેલ્લી રેલી છે અને તેઓ એનડીએના શપથ ગ્રહણ સમારોહમાં પાછા ફરશે. પીએમ મોદીએ જણાવ્યું
હતું કે બિહારના મતદારોએ પહેલા તબક્કામાં જંગલરાજ ગેંગને 65 વોલ્ટનો ઝટકો આયો છે. વધુમાં કહ્યું કે આ તો માત્ર એક ટ્રેલર છે, વાસ્તવિક
ઝટકો હજુ આવવાનો બાકી છે. આ વખતે બિહારના યુવાનો અને મહિલાઓએ વિકાસ, સ્થિરતા અને કાયદાના
શાસન માટે મતદાન કર્યું છે. આરજેડી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે બેતિયા અને
ચંપારણની આ ભૂમિ જે એક સમયે સત્યાગ્રહનું પ્રતીક હતી, જંગલરાજ યુગ દરમિયાન ગુંડાઓ અને
ગુનેગારોના અડ્ડામાં ફેરવાઈ ગઈ હતી. તે સમયે દરરોજ હત્યાઓ થતી અને ભય અને અરાજકતા સામાન્ય
હતી.
વડાપ્રધાનએ
કહ્યું કે એનડીએ સરકારે બિહારને કાયદો, વિકાસ અને સ્થિરતાના માર્ગ પર પાછું લાવ્યું
છે અને તેને જંગલરાજમાં પાછા ફરવા દેશે નહીં. બિહારના લોકો હવે બંદૂકની સરકાર નહીં,
પરંતુ વિકાસની સરકાર ઇચ્છે છે.
‘સીમાંચલને
ઘૂસણખોરોનો ગઢ બનાવવા માંગે છે રાહુલ-તેજસ્વી’
બિહારમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચૂંટણીસભામાં પ્રહાર
પુર્ણિયા,
તા.8 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના પુર્ણિયામાં ચૂંટણીસભાને સંબોધતાં મહાજોડાણ
પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યના અડધા ભાગે તો પહેલેથી જ કોંગ્રેસ-રાજદ
જોડાણને નકારી દીધું છે. ત.ઁમણે દાવો કર્યો હતો કે એનડીએ 160 બેઠક જીતશે અને સરકાર
બનાવશે. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સીમાંચલ ઘૂસણખોરી
કરનારાઓનો ગઢ બને તેવું ઈચ્છે છે.
શાહે
કહ્યું કે ઘૂસણખોરો આપણા ગરીબોનો હક છીનવે છે. તેમણે કહ્યું કે અમે ઘૂસણખોરોને માત્ર
હટાવશું જ નહીં, જમીન દબાણને પણ તોડી પાડશું.શાહે કહ્યું કે આ ચૂંટણીમાં બે સમૂહ છે.
એક તરફ વિખેરાયેલો વિપક્ષ છે અને અને બીજી તરફ પાંચ પાંડવવાળું એનડીએ જોડાણ છે.
ગૃહમંત્રીએ
કહ્યું કે અડધા બિહારે પોતાનો મત આપી દીધો છે.પહેલા તબક્કામાં લાલુ-રાહુલના પક્ષના
સૂપડાં સાફ થયાં છે. બિહારમાં એનડીએની સરકાર બનવાની છે.
મોદી-નીતીશના
નેતૃત્વમાં બિહાર આગળ વધીને એક વિકસિત રાજ્ય બનવાનું છે. આવતા પાંચ વર્ષમાં સીમાંચલમાંથી
એક-એક ગેરકાયદે ગતિવિધિને ઉખાડી ફેંકાશે એમ શાહે કહયું હતું.