• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

પાક-અફઘાન મંત્રણા ત્રીજીવાર વિફળ

તાલિબાન સરકારના પ્રવક્તાનો આરોપ; પાક બેજવાબદાર: હુમલાના જવાબની ચેતવણી

 

ઇસ્લામાબાદ, તા. 8 : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાનો ત્રીજો દોર શનિવારે કોઇ જાતની સમજૂતી કે સકારાત્મક પરિણામ વિના ખતમ થઇ જતાં ત્રીજા ચરણની મંત્રણા પણ નિષ્ફળ રહી હતી. બન્ને દેશોએ વાતચીત નિષ્ફળ રહેવા બદલ એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. કતર અને તુર્કીની મધ્યસ્થીથી ઇસ્તંબુલમાં વાર્તા યોજાઇ હતી.તાલિબાન સરકારના પ્રવકતા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, પાકિસ્તાન વ્યાવહારિક અને યોગ્ય શરતો મૂકશે તેવી આશા હતી.

પાકિસ્તાનના લોકો અમારા ભાઇ અને મિત્ર છે, પરંતુ કોઇપણ હુમલાનો જડબાંતોડ જવાબ અપાશે તેવી ચેતવણી પણ મુજાહિદે આપી હતી.

નવમી ઓકટોબરના થરૂ થયેલા સંઘર્ષ બાદ બન્ને દેશોએ 19 ઓકટોબરના દિવસે કતરમાં યુદ્ધ વિરામ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

તુર્કીમાં 25થી 30 ઓકટોબર સુધી બીજી શાંતિ મંત્રણાનો દોર પણ કોઇજાતની સમજૂતી વિના ખતમ થઇ ગયો હતો. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન તહરિક-એ- તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને આશ્રય આપવાની ખોટી પ્રવૃત્તિ કરે છે.


પાકિસ્તાનનો અફઘાનિસ્તાનના રહેણાક વિસ્તારમાં હુમલો : છનાં મૃત્યુ

 

કાબુલ, તા. 8 : પાકિસ્તાની સૈનિકો દ્વારા અફઘાનિસ્તાના રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા છે. હુમલામાં કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડકમાં મહિલાઓ અને બાળકો સહિત છ લોકો માર્યા ગયા છે અને પાંચને ઈજા પહોંચી છે. આ હુમલો ઈસ્તાંબુલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તાના ત્રીજા દોર દરમિયાન થયો હતો. જે કથિત રીતે ગતિરોધમાં સમાપ્ત થઈ છે.

પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે શુક્રવારે કહ્યું હતું કે ગતિરોધ બાદ વાતચીત સ્થગિત કરી દેવામાં આવી છે અને ફરીથી વાતચીત શરૂ કરવાની તત્કાળ કોઈ યોજના બનાવવામાં આવી નથી. અફઘાન નાગરિક હયાતુલ્લાહે કહ્યું હતું કે, પાકિસ્તાની હુમલામાં તેની માતાનું મૃત્યુ થયું છે અને પુત્રીને ઈજા પહોંચી છે. તેના ઘર ઉપર બેથી ત્રણ મોર્ટર પડયા હતા. અન્ય નિવાસી અબ્દુલ મનને કહ્યું હતું કે તેના ઘર ઉપર તોપના બે ગોળા પડતા પુત્ર અને પૌત્રના મૃત્યુ થયા છે. જયારે બે અન્યના મૃત્યુ થયા હતા.

રહેણાંક વિસ્તાર ઉપરાંત સ્પિન બોલ્ડક સ્થિત એક વ્યવસાયીક કેન્દ્રને પણ પાકિસ્તાની સેનાએ નિશાન બનાવ્યું હતું. જેનાથી ભારે નુકસાન થયું છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે પાકિસ્તાની હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. પાકિસ્તાને કોઈપણ ઉશ્કેરણી વિના હુમલા કર્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક