ભારતથી દ.આફ્રિકા જઈ રહેલા તેલ ટેન્કરપર ગોળીબાર
જકાર્તા,
તા.7 : સોમાલિયાના દરિયાકાંઠે ભારતથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલા જહાજ પર સમુદ્રી ચાંચિયાઓ
દ્વારા ગોળીબાર કરાયો છે. બ્રિટિશ મિલિટરી મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટર એ આ ઘટના
અંગે તાત્કાલિક ચેતવણી જારી કરી છે અને આસપાસના તમામ જહાજોને સતર્ક રહેવાની ચેતવણી
આપી છે.
ખાનગી
સુરક્ષા કંપની એમ્બરીએ પુષ્ટિ કરી છે કે ભારતથી દક્ષિણ આફ્રિકાના બંદર ડર્બન સુધી કાર્ગો
લઈ જનારા માલ્ટિઝ ધ્વજવાળા તેલ ટેન્કરને નિશાન બનાવતો હુમલો હજુય ચાલુ છે. આ હુમલો
સોમાલી ચાંચિયાઓ દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગે છે, જેઓ તાજેતરમાં આ વિસ્તારમાં
સક્રિય થયા છે. ચાંચિયાઓએ એક ઈરાની બોટ કબજે કરી હોવાનું કહેવાય છે, જોકે ઈરાને આ દાવાને
નકારી કાઢ્યો છે.
બીજી
તરફ દરિયાઈ સુરક્ષા કંપની ડ્રાયડ્સ ગ્રુપે અહેવાલ આપ્યો છે કે હુમલો કરાયેલા ટેન્કરમાં
24 ખલાસીઓ હતા. સલામતીના કારણોસર હુમલા દરમિયાન તે બધાએ પોતાને જહાજની અંદર બંધ કરી
દીધા હતા. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જહાજ પર કોઈ સશસ્ત્ર રક્ષકો તૈનાત કરવામાં આવ્યા
ન હતા. યુરોપિયન યુનિયન નૌકાદળ દળોએ અહેવાલ આપ્યો છે કે ગુરુવારે તે જ વિસ્તારમાં શંકાસ્પદ
ચાંચિયાઓ દ્વારા કેમેન ટાપુઓ ધ્વજવાળા અન્ય જહાજ સ્ટોલ્ટ સાગાલેન્ડ પર હુમલો કરવામાં
આવ્યો હતો. જહાજના સશસ્ત્ર રક્ષકો અને હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો.