ટ્રમ્પના દાવા ઉપર ભારતીય વિદેશ મંત્રાલયે આપી મહત્વની પ્રતિક્રિયા
નવી
દિલ્હી, તા. 7 : ટ્રમ્પે દ્વારા પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણના દાવા ઉપર ભારત દ્વારા
મહત્ત્વની પ્રતિક્રિયા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું
છે કે અવૈધ પરમાણુ ગતિવિધી પાકિસ્તાનની આદત અને ઈતિહાસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પની ટિપ્પણીને ધ્યાને રાખીને ભારત સતર્ક છે.
જયસ્વાલે
કહ્યું હતું કે, પાકિસ્તાન ખોટી અને અવૈધ રીતે જ બધી ગતિવિધિ કરે છે.પાકિસ્તાન દશકોથી
આવી રીતે તસકરી કરતું આવ્યું છે. નિકાસ નિયંત્રણનું ઉલ્લંઘન કરે છે. ગુપચુપ રીતે ભાગીદારીઓ
વધારી રહ્યું છે. જયસ્વાલે આગળ કહ્યું હતું કે ભારતે હંમેશાં આંતરરાષ્ટ્રીય સમુદાયનું
ધ્યાન પાકિસ્તાનની ગતિવિધી તરફ દોર્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ દશકના ગાળા બાદ પરમાણુ હથિયારનું પરીક્ષણ ફરીથી શરૂ કરવાની પોતાની
યોજના યોગ્ય ઠેરવી હતી. આ દરમિયાન દાવો કર્યો હતો કે પાકિસ્તાન અને ચીન પરમાણુ હથિયારોનું
પરીક્ષણ કરી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય તરફથી ટ્રમ્પની આ ટિપ્પણી ઉપર પ્રતિક્રિયા
આપી હતી.
ચિકન
નેકની સુરક્ષા હવે સજ્જડ
નવી
દિલ્હી, તા.7 : ભારતે બાંગ્લાદેશ સાથેની તેની સંવેદનશીલ અને લાંબી સરહદ પર સુરક્ષા
મજબૂત કરવા મોટું પગલું ભર્યું છે. શુક્રવારે ભારતે ત્રણ નવા લશ્કરી ચોકીઓનું ઉદ્ઘાટન
કર્યું હતું. જે આસામમાં ધુબરી નજીક બામુની, બિહારમાં કિશનગંજ અને પશ્ચિમ બંગાળમાં
ચોપરામાં સ્થિત છે. ત્રણેય ચોકીઓ સંપૂર્ણપણે કાર્યરત થઈ છે અને ભારતીય સેના અને સરહદ
સુરક્ષા દળ (બીએસએફ) માટે બળ વધારનારી છે.
અફઘાનિસ્તાન-પાકિસ્તાન
સરદહે ગોળીબાર : પાંચનાં મૃત્યુ
કાબુલ,
તા. 7 : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ગુરુવારે સરહદી વિસ્તારમાં ફરી ગોળીબાર થયો
હતો. જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ છ લોકોને ઈજા પહોંચી હતી. અફઘાનિસ્તાનના
દક્ષિણી કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લા હોસ્પિટલના એક અધિકારી તરફથી આ જાણકારી
આપવામાં આવી હતી. ઘટના બાદ બન્ને દેશોએ એકબીજા ઉપર આરોપો મુક્યા હતા. આ હિંસા એવા સમયે
થઈ હતી જ્યારે તુર્કીમાં શાંતિ માટેની વાતચીત અંતિમ તબક્કામાં હતી. પાકિસ્તાન લાંબા
સમયથી અફઘાનિસ્તાન ઉપર આરોપ મુકી રહ્યું છે કે તાલિબાન સરકાર પાકિસ્તાનમાં ટીટીપી જેવા
ઉગ્રવાદી સંગઠનોને શરણ આપે છે. જે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા કરે છે. જો કે તાલિબાન
પ્રશાસન દ્વારા તમામ આરોપોને ફગાવવામાં આવી રહ્યા છે.