શિમલા, તા.1ર : હિમાચલ પ્રદેશમાં બદલાયેલા હવામાન ચક્રએ ચોંકાવ્યા છે. શિમલામાં બપોર સુધી તડકો હતો પછી વરસાદ સાથે બરફ પડયો હતો. શનિવારે શિમલા સહિત રાજ્યભરમાં હવામાન સ્વચ્છ રહ્યું. આગામી અઠવાડિયા માટે સ્વચ્છ હવામાનની આગાહી છે. શનિવારે ઉના, બિલાસપુર અને હમીરપુરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. તાપમાનમાં વધારાને કારણે દિવસની ઠંડીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન સામાન્યથી 4ર ટકા વધુ વરસાદ પડયો હતો.
હવામાન નિષ્ણાંતો મનમોહન સિંહ,
સંદીપ કુમાર અનુસાર ઓકટોબરના શરૂઆતના સપ્તાહમાં આટલું સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
અગાઉ છેલ્લા અનેક વર્ષોમાં જોવા મળ્યું નથી. હિમવર્ષા સામાન્ય રીતે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં
થતી હતી. ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાનની પારંપરિક પેટર્ન હવે તૂટી રહી છે. હવામાનનું
નવુ ચક્ર શરૂ થયું છે અને આગામી વર્ષોમાં આવી ઘટનાઓ વધી શકે છે.
દરમિયાન હવામાન સાફ થતાં લાહૌલ-સ્પિતિની
ચંદ્રા ખીણમાં ગોંડલાની સામેની ટેકરીઓમાં હિમપ્રપાત થવા લાગ્યો છે. શનિવારે બપોરે અચાનક
હિમપ્રપાત થયો હતો. શિમલા સ્થિત હવામાન કેન્દ્રે 17 ઓક્ટોબર સુધી શુષ્ક હવામાનની આગાહી
કરી છે. આગામી ચારથી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં, મહત્તમ
તાપમાનમાં ધીમે ધીમે 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે.