• રવિવાર, 09 નવેમ્બર, 2025

મોદીને ખાસ મિત્ર માને છે ટ્રમ્પ : સર્જિયો ગોર

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરની મોદી અને જયશંકરની મુલાકાત

નવી દિલ્હી, તા. 11 : અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. ગોરે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને ખાસ મિત્ર માને છે. ગોરે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ આ નિવેદન આપ્યું હતું.

ભારત-અમેરિકામાં ઉતારચડાવ સાથેના સંબંધો વચ્ચે અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે શનિવારે દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્નેએ ભારત-અમેરિકાના સંબંધો અને તેના વધતા વૈશ્વિક મહત્વ ઉપર વાતચીત કરી હતી. એક્સ ઉપર એક પોસ્ટમાં જયશંકરે કહ્યું હતું કે નવી દિલ્હીમાં અમેરિકાના મનોનીત રાજદૂત સર્જિયો ગોર સાથે મળીને પ્રસન્નતા થઈ છે. આ સાથે સર્જિયો ગોરને તેમની નવી જવાબદારી માટે જયશંકરે શુભકામના પાઠવી હતી.

વિદેશ સચિવ વિક્રમ મિત્રીએ પણ સવારે સર્જિયો ગોરની મુલાકાત કરી હતી. એક્સ ઉપર પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે વિદેશ સચિવે અમેરિકાના મનોનિત રાજદૂત સાથે મુલાકાત કરી હતી. જેમાં ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારી અને તેની પ્રાથમિકતા ઉપર ઉપયોગી ચર્ચા કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક