મીડિયાની નજરોથી બચાવવા ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ કારમાં તેડી ગઇ
હિસાર, તા. 22 : પાકિસ્તાન માટે
જાસૂસી કરવાના આરોપમાં પકડાયેલી હરિયાણાની યુ-ટયુબર જ્યોતિ મલ્હોત્રાને ગુરુવારે સવારે
સાડા નવ વાગ્યે કોર્ટમાં રજૂ કરાઇ હતી.
રિમાન્ડ પર લગભગ દોઢ કલાક ચાલેલી
ચર્ચા-દલીલોના અંતે અદાલતે જ્યોતિને ચાર દિવસના રિમાન્ડ પર પોલીસના કબજામાં સોંપી દીધી
હતી.
સુનાવણી બાદ જ્યોતિને મીડિયાની
નજરોથી બચાવવા માટે હિસાર પોલીસ તેને ફિલ્મી સ્ટાઇલમાં બહાર લઇ ગઇ. પહેલાં કાળા કાચવાળી
સફેદ સ્કોર્પિયો મગાવી પછી જિલ્લા અદાલતના પ્રવેશદ્વાર બંધ કરી દેવાયા હતા.
ત્યારબાદ સ્કોર્પિયોમાં જ્યોતિને
બેસાડીને તરત જ ત્યાંથી પોલીસ રવાના થઇ ગઇ હતી. કોઇ અધિકારીએ મીડિયા સાથે કોઇ જ વાત
કરી નહોતી.
એનઆઇએના સૂત્રોએ કહ્યું હતું
કે, પહેલગામ આતંકવાદી હુમલામાં જ્યોતિ મલ્હોત્રાની ભૂમિકાની તપાસ કરાઇ રહી છે.
એનઆઇએ ટીમ જ્યોતિને પહેલગામ પણ
લઇ જઇ શકે છે. પહેલગામ આતંકી હુમલા પહેલાં કાશ્મીરમાં જ્યોતિએ જ્યાં પોલીસ, સેનાની
તૈનાતી નહોતી તેવી જ જગ્યાના વીડિયો બનાવ્યા હતા. દરમ્યાન જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ
કહ્યું હતું કે, મારા પાસે વકીલ રાખવા માટે પૈસા નથી. મારા ઘરે પોલીસ, મીડિયા સિવાય
કોઇ જ આવતું નથી.