• મંગળવાર, 24 જૂન, 2025

ઓપરેશન સિંદૂર મુદ્દે ભારતને જાપાનનો સાથ

ભારતીય પ્રતિનિધિમંડળે જાપાની વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી : આતંકવાદને મૂળમાંથી ખતમ કરવાની વાત દોહરાવી : યુએઈ વિદેશ વિભાગના પ્રમુખે કહ્યું, આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા નથી હોતી

નવી દિલ્હી, તા. 22 : જાપાનની રાજધાની ટોક્યોમાં ભારતીય સાંસદોના એક સર્વપક્ષીય  પ્રતિનિધિમંડળે જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઈવાયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ભારતે દ્રઢ અને સ્પષ્ટ વલણ બતાવ્યું હતું કે, આતંકવાદ કોઈપણ રૂપમાં સ્વીકાર્ય નથી અને તેને મૂળમાથી સમાપ્ત કરવું જોઈએ. જાપાની મંત્રીએ ભારતની આતંકવાદ વિરોધી નીતિનું સમર્થન કર્યું હતું અને પહલગામ આતંકી હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાએ કર્યું હતું. સંજય કુમારે કહ્યું હતું કે, તેમણે ભારતનો પક્ષ ખુબ જ દ્રઢતાથી રાખ્યો હતો. જાપાની વિદેશ મંત્રીએ વિચારોની સરાહના કરી હતી અને કહ્યું હતું કે આતંકવાદ સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. વધુમાં કહ્યું હતું કે ભારતે સંયમ બતાવીને એક સકારાત્મક ઉદાહરણ રજૂ કર્યું છે તેમજ જયશંકર દ્વારા અપાયેલી જાણકારીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં જાપાન ભારત સાથે છે.   બીજી તરફ શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ યુએઈ પહોંચ્યું હતું. જેમાં યુએઈના વિદેશ મામલાની સમિતિના અધ્યક્ષ ડો. અલી રાશિદ અલ નુમામી સાથે મુલાકાત કરી હતી. મુલાકાતમાં નુમામીએ કહ્યું હતું કે આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા હોતી નથી. આતંકવાદ સમસ્ત માનવતા અને દુનિયા માટે જોખમ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક