• મંગળવાર, 24 જૂન, 2025

મુનીર કટ્ટરપંથી, પહલગામ હુમલો તેના વિચારોનું પરિણામ : જયશંકર

નેધરલેન્ડમાં ઈન્ટરવ્યુ દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું, આતંકીઓને કોઈપણ ખુણેથી શોધીને મારવામાં આવશે

નવી દિલ્હી, તા. 22 : ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર ઉપર પ્રહાર કરતા મુનિરને ધાર્મિક કટ્ટરપંથી ગણાવ્યો છે અને કહ્યું છે કે પહલગામ આતંકી હુમલો મુનીરની કટ્ટરપંથી વિચારધારાનું જ પરિણામ છે. નેધરલેન્ડના એક સમાચાર પત્ર સાથે વાતચીત કરતા ડો. જયશંકરે કહ્યું હતું કે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલી આતંકી છાવણીઓને જ નિશાન બનાવી છે. જયશંકરે ટ્રમ્પના દાવા ઉપર કહ્યું હતું કે, ભારતે તમામ દેશને કહ્યું હતું કે જો પાકિસ્તાન સીઝફાયર ઈચ્છે છે તો તેણે સીધી વાત કરવી પડશે અને બાદમાં પાકિસ્તાને ગોળીબાર રોકવા તૈયારી બતાવી હતી. આ ઉપરાંત વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સીઝફાયર અસ્થાયી છે. પાકિસ્તાનમાંથી આતંકી હુમલા થશે તો આગળ પણ જવાબ દેવામાં આવશે.

પહલગામ આતંકી હુમલા અંગે જયશંકરે કહ્યું હતું કે, ભારતીય ક્ષેત્ર જમ્મુ કાશ્મીરમાં બર્બર આતંકી હુમલો થયો હતો. આ હુમલો કાશ્મીરની અર્થવ્યવસ્થા ઉપર હતો. હુમલાથી ધાર્મિક ભેદભાવ વધારવાની કોશિશ થઈ હતી અને લોકોને ધર્મ પુછીને મારવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાના જે પ્રમુખ છે તે પોતે ધાર્મિક કટ્ટરપંથી છે.

વિદેશ મંત્રી વર્તમાન સમયે યુરોપના ત્રણ દેશના પ્રવાસે છે. જેમાં તેઓએ નેધરલેન્ડમાં આતંક સામે ભારતના ઓપરેશન સિંદૂર, આતંકને પાળતા પાકિસ્તાન અને કાશ્મીર મુદ્દે ચર્ચા કરી હતી. નેધરલેન્ડના અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જયશંકરે કહ્યું હતું કે, સીઝફાયર અસ્થાયી સમાધાન છે. ભારત આતંકવાદનો નિર્ણાયક અંત કરવા માગે છે. સીઝફાયરના કારણે સૈન્ય કાર્યવાહી થઈ રહી નથી પણ પાકિસ્તાનમાંથી આતંકી હુમલા થતા રહેશે તો પાકિસ્તાને પરિણામ ભોગવવું પડશે. પાકિસ્તાનીઓએ આ વાત સારી રીતે સમજી લેવાની જરૂર છે. આતંકવાદી કોઈપણ ખુણે છુપાયા હશે તેને મારવામાં આવશે. આ ઉપરાંત જયશંકરે એમ પણ કહ્યું હતું કે, આતંક સામે સૈન્ય કાર્યવાહી માટે ભારત પ્રશંસાને પાત્ર છે.

ટ્રમ્પ દ્વારા સતત મધ્યસ્થતા કરી હોવાના દાવા અંગે પણ જયશંકરે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ઘણા દેશો ભારત સાથે સંપર્ક કરી રહ્યા હતા. ભારતે અમેરિકા સહિત તમામ દેશોને કહ્યું હતું કે જો પાકિસ્તાન સીઝફાયર ઈચ્છતું હોય તો તેણે સીધી વાત કરવી પડશે. 10મી મેએ પાકિસ્તાની સેનાએ સંદેશ મોકલ્યો હતો કે તે ગોળીબાર રોકવા તૈયાર છે. જેડી વેન્સ, માર્કો રૂબિયો ભારત અને પાકિસ્તાન બન્ને સાથે વાત કરી રહ્યા હતા. જો કે સીઝફાયર મુદ્દે ભારત અને પાકિસ્તાને સીધી વાતચીત કરી છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક