• રવિવાર, 27 એપ્રિલ, 2025

2008 જેવી મંદીનાં ભણકાર? અમેરિકી ધનવાનોની સ્વિસ બેન્કો ભણી દોટ

અમેરિકાનાં ધનાઢ્યો અત્યારથી જ પોતાનું નાણું સગેવગે કરવા લાગ્યા : ટ્રમ્પનાં નિશાને આવવાની દહેશત કે બીજું કંઈ ?

નવી દિલ્હી, તા.26: વૈશ્વિક અર્થકારણમાં ઘેરાયેલા અનિશ્ચિતતાનાં વાદળો વચ્ચે દુનિયામાં ફરીથી વર્ષ 2008 જેવી આર્થિક તબાહીની આશંકાઓ ઘેરી વળવા લાગી છે. આ મધ્યે અમેરિકાનાં ધનવાનો ઓચિંતા સ્વિસ બેન્કોમાં ખાતા પણ ખોલાવવા લાગ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકામાં મંદી આવવાની છે અને તે 2008 કરતાં ય ભીષણ હોઈ શકે છે. જેને પગલે પાણી પહેલા પાળ બાંધતા અમેરિકાનાં ધનાઢ્યો અત્યારથી જ પોતાનું નાણું સ્વિસ બેન્કમાં સુરક્ષિત જમા કરવા માંડયા છે.

બીજો એક દાવો એવો પણ કરવામાં આવે છે કે, અમેરિકાનાં અમીરોને ડર છે કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નિશાને આવી શકે છે. તેથી જ તેઓ હવે સ્વિસ બેન્કો ભણી ભાગવા લાગ્યા છે. જો કે તજજ્ઞોનું માનવું છે કે, અમેરિકી ટેકનિકલ રૂપે ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ હેઠળ સ્વિસ બેન્કમાં ખાતા ખોલાવી શકતા નથી પરંતુ જો એક સ્વિસ સલાહકાર યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સાથે નોંધાયેલા હોય તો તે પોતાનાં ગ્રાહક માટે ખાતા ખોલાવીને તેનાં નાણાંનું વ્યવસ્થાપન કરી શકે છે. અમેરિકાનાં ધનવાનો પોતાનું નાણું ઉસેડીને સ્વિત્ઝર્લેન્ડ અને ચેનલ દ્વીપો, જર્સી અને ગ્વેર્નસીમાં તબદિલ કરી રહ્યાં છે. અમીરો મોટાપાયે સ્વિસ બેન્કોમાં નાણું જમા કરાવવા માગે છે. છેલ્લા ત્રણ ચાર સપ્તાહમાં પાંચ લોકો અનુક્રમે 40 મિલિયન, 30 મિલિયન, 30 મિલિયન, 100 મિલિયન અને પ0 મિલિયન ડોલર સ્વિસ બેન્કોમાં જમા કરાવવા માગતા હતાં. આ લોકો નથી ઈચ્છતા કે તેમની તમામ સંપત્તિ માત્ર અમેરિકામાં જ રહે. ટ્રમ્પની અણધારી નીતિઓનાં કારણે અમેરિકાનાં ધનવાનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આર્થિક સંકટની ઘડીમાં જે માર્ગ અખત્યાર કરવામાં આવતા હોય છે તેવો પ્રવાહ અત્યારે જોવા મળવા લાગ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક