દેશના સૌથી મોટા ઓટો શો ‘ભારત
મોબિલિટી એક્સપો’નું ઉદ્ઘાટન કરતા પીએમ મોદી
નવી દિલ્હી, તા. 17 : દેશનો સૌથી
મોટો ઓટો શો, ભારત મોબિલિટી એક્સપો શુક્રવારથી શરૂ થયો છે. આ આયોજન સવારે સાડા દસ વાગ્યાથી
શરૂ થયું હતું. પીએમ મોદીએ દિલ્હીના ભારત મંડપમમાં ભારતના સૌથી મોટા ટેકનોલોજી કાર્યક્રમમાં
ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આયોજન દરમિયાન પીએમ મોદીએ
પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સરકાર એક એવી મોબિલિટી સિસ્ટમ ઉપર કામ કરી રહી છે
જે અર્થવ્યવસ્થા અને ઈકોલોજીને સપોર્ટ કરી શકે છે.
ભારતની ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીને
લઈને પીએમ મોદીએ કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રી ભવિષ્ય માટે પૂરી રીતે તૈયાર છે. ભારતની
ઓટો ઈન્ડસ્ટ્રી ગયા વર્ષે અંદાજીત 12 ટકાની તેજીથી આગળ વધી છે. તેમણે પોતાની વાત ઉપર
ભાર મૂકીને કહ્યું હતું કે, ઘણા દેશોમાં એટલી આબાદી પણ નથી જેટલી ભારતમાં દર વર્ષે
ગાડીઓ વેચાઈ રહી છે. પીએમ મોદીએ સમય સાથે બદલાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ઉલ્લેખ કર્યો
હતો. મોદીએ કહ્યું હતું કે એક સમયે ભારતમાં ગાડીઓ ન ખરીદવાનું કાર સારા અને પહોળા રોડનો
અભાવ પણ હતું. ગયા વર્ષે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 11 લાખ કરોડ રૂપિયાથી
વધારે ભંડોળ ફાળવવામાં આવ્યું હતું. આજે ભારતમાં મલ્ટીલેન હાઈવે અને એક્સપ્રેસવે છવાઈ
રહ્યા છે.
પીએમ મોદીએ ઝડપથી વધતી ભારતીય
અર્થવ્યવસ્થામાં મોબિલિટી સેક્ટરના યોગદાનની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે,
ભારત આજે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કલ્પના કરવામાં આવે કે ભારત વિશ્વની
ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તો ઓટો માર્કેટ ક્યાં હશે. વિકસિત ભારતની યાત્રામાં
મોબિલિટી સેક્ટરની અભૂતપૂર્વ વિસ્તારની યાત્રા થવાની છે.