શાહી
ઈદગાહ વિવાદ મામલે હાઈકોર્ટના આદેશ પર રોકનો ઈનકાર : વધુ સુનાવણી ચાર નવેમ્બરે
મથુરા,
તા. 17 : મંગળવારે સુપ્રીમ કોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ- ઈદગાહ કેસમાં હાઈકોર્ટના આદેશ
પર કોઈ સ્ટે ન આપી મુસ્લિમ પક્ષને ઝાટકો આપ્યો
હતો. હાઈકોર્ટના આદેશ સામે મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. હવે આ
મામલે કોર્ટમાં ચોથી નવેમ્બરે સુનાવણી થશે. કોર્ટે કહ્યું કે, રિટની તપાસ કરવામાં આવશે.
જો કે, કોર્ટે એમ પણ કહ્યું કે, આ રિટ પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટની ડબલ બેંચમાં દાખલ
થવી જોઈતી હતી, તેની પણ ચકાસણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય
છે કે, પહેલી ઓગસ્ટે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ ઈદગાહ
વિવાદને સુનાવણી માટે યોગ્ય ગણ્યો હતો. શાહી ઇદગાહ મસ્જિદની જમીનની માલિકી અંગે હિન્દુ
પક્ષકારો દ્વારા દાખલ કરવામાં આવેલા તમામ 15 સિવિલ દાવાને સુનાવણી માટે લાયક ગણીને
કોર્ટે મુસ્લિમ પક્ષના તમામ પાંચ વાંધા ફગાવી દીધા હતા. ઇદગાહ કમિટીએ આ નિર્ણયને સુપ્રીમ
કોર્ટમાં પડકાર્યો છે.
સુપ્રીમ
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું કે, હાઈકોર્ટે હિન્દુ પક્ષના
દાવાઓને સુનાવણી માટે યોગ્ય ગણ્યા છે, જે ખોટું છે. મુસ્લિમ પક્ષની આ અરજી પર આજે સુપ્રીમ
કોર્ટમાં સુનાવણી થઈ હતી. શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના પ્રમુખ એડવોકેટ મહેન્દ્ર
પ્રતાપાસિંહ અને પક્ષકાર આશુતોષ પાંડેના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોઈ સ્ટે આપ્યો નથી. વધુ સુનાવણી માટે
તારીખ ચાર નવેમ્બર નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને
જસ્ટિસ સંજય કુમારે કોર્ટ નંબર બેમાં આ કેસની સુનાવણી કરી હતી.
હિન્દુ
પક્ષોએ દલીલ કરતાં જણાવ્યું કે, ઇદગાહનો આખો અઢી એકર વિસ્તાર ભગવાન કૃષ્ણનું ગર્ભગૃહ
છે, જેમાં શાહી ઇદગાહ મસ્જિદનો ભાગ છે. શાહી ઇદગાહ મસ્જિદ કમિટી પાસે જમીનનો આવો કોઇ
રેકોર્ડ નથી. શ્રીકૃષ્ણ મંદિરને તોડીને શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે. માલિકીના
અધિકારો વિના, વકફ બોર્ડે તેને વકફ મિલકત તરીકે કોઈપણ કાનૂની પ્રક્રિયા વિના જાહેર
કરી છે. બીજી તરફ મુસ્લિમ પક્ષે જણાવ્યું હતું
કે, 1968માં જમીન અંગે બંને પક્ષ વચ્ચે કરાર થયો હતો. 60 વર્ષ પછીના કરારને ખોટો કહેવું
યોગ્ય નથી. તેથી કેસ જાળવવા યોગ્ય નથી. આ કેસ ઉપાસનાં સ્થળ અધિનિયમ-1991 હેઠળ પણ સુનાવણી
યોગ્ય નથી એમ પણ પક્ષકારોએ પોતાની દલીલમાં જણાવ્યું હતું.