• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

બાંગ્લાદેશની જેલોમાંથી આતંકીઓ ભાગ્યા : ભારતને ઘૂસણખોરીની આશંકા

સીમા સુરક્ષા દળે બાંગ્લાદેશને ઘૂસણખોરીનાં કોઈપણ પ્રયાસ વિશે તાત્કાલિક જાણ કરવાં કહ્યું : સરકારે જણાવ્યું, બાંગ્લાદેશમાં હજી પણ છે 1800 ભારતીય છાત્ર

નવીદિલ્હી,તા.9: પ્રધાનમંત્રી પદેથી શેખ હસીનાનાં રાજીનામા સાથે જ બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતા વચ્ચે ત્યાંની જેલોમાંથી 1200થી વધુ કેદીઓ ફરાર થઈ ગયા હતાં. આ કેદીઓમાં અનેક આતંકવાદીઓ પણ સામેલ હતાં. જે ભારત માટે એક મોટી મુસીબત પુરવાર થઈ શકે તેમ છે. ભારતીય સીમા સુરક્ષાદળ (બીએસએફ)નાં કહેવા પ્રમાણે આ કેદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી શકે છે. બીજીબાજુ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને હિન્દુઓનાં મંદિરો ઉપર થયેલા હુમલાનાં કારણે ત્યાં રહેતા ભારતીય છાત્રો પણ દહેશતમાં આવી ગયા હતાં અને તેમાંથી 7200 જેટલા છાત્ર ભારત પરત આવી ગયા હતાં. હવે ત્યાં માત્ર 1700 જેટલા ભારતીય છાત્ર હોવાનું રાજ્યસભામાં સરકારે જણાવ્યું હતું.

બીએસએફનાં વરિષ્ઠ અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરીનાં વધેલા ખતરાને પગલે બન્ને દેશનાં સીમા દળ વિભિન્ન સ્તરે વાટાઘાટ પણ કરી રહ્યાં છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4096 કિ.મી. લાંબી સરહદ છે અને ત્યાંથી કોઈ ફરાર કેદી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરે તો ભારતને તત્કાળ સૂચિત કરવા માટે બાંગ્લાદેશની બોર્ડર સિક્યોરિટી સમક્ષ આગ્રહ કરવામાં આવ્યો છે.

બીજીબાજુ રાજ્યસભામાં સવાલ કરવામાં આવ્યો હતો કે, કટોકટીગ્રસ્ત બાંગ્લાદેશમાં કેટલા ભારતીય છાત્રો અને અન્ય લોકો હતાં અને તેમની સલામત વાપસી માટે કોઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે કે નહીં? વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે આનાં લેખિત પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, સરકાર પાસે ઉપલબ્ધ આંકડા અનુસાર બાંગ્લાદેશમાં 19000 જેટલા ભારતીય નાગરિકો હતાં અને તેમાંથી 9000 જેટલા છાત્ર હતાં. તેમણે આગળ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં જમ્મુ-કાશ્મીર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, તામિલનાડુ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામનાં છાત્ર હતાં. તેમાંથી 7200 જેટલા છાત્ર પરત પણ આવી ગયા છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક