• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

જામજોધપુર યાર્ડ પાસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો : બેની અટકાયત

જામનગર, તા.18 : ગત મંગળવારે ભરબપોરે જામજોધપુર યાર્ડ પાસે ભૌતિકભાઈ પ્રવિણભાઈ રામોલીયા નામના વેપારી યાર્ડ તરફ જઈ રહ્યા હતા તે વેળાએ બાઈક સવાર દ્વારા રૂા.20 લાખની બેગની ચીલઝડપ થઈ હતી. આ બનાવ અંગે જામનગર એસઓજી અને એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.  જેમાં યુ.પી.ના અને હાલ સુરતના રહેવાસી દસ્તગીર શકીલ કુરેશીની અટકાયત કરી હતી.

આ શખસની ઘનિષ્ઠ પૂછપરછમાં આ ગુનામાં ભાયાવદરના ધવલ અશોકભાઈ સીણોજીયા તથા જામજોધપુરના દિલીપ વિઠલભાઈ કાનજીયાએ મદદગારી કરી હોવાની કબુલાત આપી હતી અને બેગમાંથી સાડા અઢાર લાખ રૂપિયા તથા બે મોબાઈલ અને ગુનામાં વપરાયેલ 25 હજારનું બાઈક કબજે કર્યું છે.

આ આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, જામજોધપુર યાર્ડમાં તિરૂપતી ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરતા દિલીપ વિઠલભાઈ અને ધવલ સીણોજીયાની બાતમીના આધારે આ પ્લાન ઘડયો હતો. જેમાં લાલપુર તાલુકાના નાનીરાફુદડ ગામના નરસી ખાણધરે સુરતના ઉધના વિસ્તારમાંથી યામાહા બાઈકની ચોરી કરી હતી અને આ બાઈક કોઈ ઓળખી ન જાય તે માટે નંબર પ્લેટમાં છેલ્લા આંકડાઓ કાઢી નખાયા હતાં. ત્યારબાદ ધવલ અને દિલીપે રેકી શરૂ કરી હતી. ત્યારબાદ આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.