ગોંડલ, તા.18 : ભોજરાજપરામાં રહેતા અને રાજકોટમાં મારવાડી શેર બજારની ઓફિસમા ડીલર તરીકે નોકરી કરતા રાજન કેતનભાઈ મોવલીયા નામના યુવાને મયુરસિંહ ઝાલા અને તેના સાગરીત વિરુધ્ધ અપહરણ કરી મારકુટ કરી ચેક પડાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખસો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રાજન મોવલીયા નામના યુવાનના મિત્ર રોબીન ધીરુ માદરીયાએ મયુરસિંહ ઝાલાનો ફોન નંબર માંગતા આપ્યો હતો અને બાદમાં રોબીન માદરીયાએ મયુરસિંહ પાસેથી ક્રિકેટની આઈડી મેળવી ક્રિકેટ સટ્ટામાં રૂ.પ0 હજાર હારી ગયો હતો અને ફોન બંધ કરી દીધો હતો.
બાદમાં મયુરસિહ ઝાલાએ ફોન કરી રાજનને વાત કરી પૈસાની માગણી કરતા રાજનએ ઈનકાર કર્યો હતો. દરમિયાન રાજન બસ સ્ટેશન પાસેથી પસાર થતો હતો ત્યારે મયુરસિહ તેના સાગરીત સાથે કાર લઈને ધસી આવ્યો હતો અને રાજનનું કારમાં અપહરણ કરી જઈ લુણીવાવ વાડીએ ધોકાવ્યો હતો અને ચેકમાં સહી કરાવી લઈ મારી નાખવાની ધમકી આપી વછેરાના વાડા પાસે છોડી દઈ ફરાર થઈ ગયા હતા.પોલીસે બંને શખસોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.