પોરબંદર ફાયર બ્રિગેડે 40,000 લીટર પાણીનો મારો ચલાવી અઢી કલાકે આગ પર મેળવ્યો કાબૂ
પોરબંદર, તા.19: પોરબંદર નજીકનાં રાણા કંડોરણા ગામે આવેલી બેન્ક ઓફ બરોડામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બેન્ક સંપૂર્ણપણે નાશ પામી છે પરંતુ લોકર રૂમ અને કરન્સી રૂમ ફાયર જવાનીની સતર્કતાને કારણે બચી ગયા હોવાથી દસ્તાવેજો અને રોકડને વધુ નુકસાન થયું નથી.
બનાવની વિગત એવી છે કે રવિવારે બપોરના સમયે અચાનક જ રાણાકંડોરણા ગામની બેન્ક ઓફ બરોડામાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પોરબંદરથી મોટા બે ફાયર ફાઇટર સાથેના ફાયર જવાનોની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને અઢી કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે 40,000 લીટર પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી.
ફાયર બ્રિગેડના અધિકારી રાજીવભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડની ટીમે સ્ટ્રોંગ રૂમ અને કરન્સી રૂમમાં આગ ફેલાય તે પહેલા જ તેના પર કાબૂ મેળવી લીધો હતો. જેનાથી લોકોના કીમતી દસ્તાવેજો સહિત રોકડ રકમને આગથી બચાવી શકાઈ હતી પરંતુ એ સિવાયનું બેન્કનું તમામ ફર્નિચર, સર્વર રૂમ, સહિત મોટાભાગનો માલ સામાન રાખ થઈ ગયો હતો. પ્રાથમિક તબક્કે આ આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાની શક્યતા જણાઈ રહી છે આમ છતાં આગળની તપાસ પોલીસ દ્વારા પણ હાથ ધરવામાં આવી છે અને બેન્ક દ્વારા પણ આ અંગે ઊંડાણથી તપાસ હાથ ધરવામાં આવી છે.
20 લાખની રોકડ બચી ગઈ
બેન્ક મેનેજરના જણાવ્યા અનુસાર અંદાજે 20 લાખ રૂપિયાની રોકડ હતી. આ રોકડ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી તે બચી ગઈ હતી. તે ઉપરાંત એ રૂમમાં સોનું પણ હતું અને સોનું પણ બચી ગયું છે. ફર્નિચર સહિત કોમ્પ્યુટર અને અન્ય માલ સામાન રાખ થયો છે.