• બુધવાર, 13 મે, 2026

પોરબંદરમાં સાડા ચાર વર્ષની બાળકી ઉપર 12 વર્ષના કિશોરનું દુષ્કર્મ

પડોશમાં રહેતા કિશોરે ઘરે કોઈ ન હતું ત્યારે બોલાવીને બાળાને એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું : પોલીસે ઝીણવટભરી પૂછપરછ બાદ બાળ આરોપી સામે નોંધ્યો ગુનો

પોરબંદર, તા.5: પોરબંદર શહેરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ દીકરી સાથે તેમના પડોશમાં રહેતા માત્ર 12 વર્ષના કિશોર દ્વારા એકથી વધુ વખત દુષ્કર્મ આચરવામાં આવ્યાની હકીકત સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર પોરબંદર શહેરને હચમચાવી દીધું છે. પોલીસને જાણકારી મળતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં આવેલા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં સાડા ચાર વર્ષની દીકરી છે અને એ દીકરીની સાથે તેમના પડોશમાં રહેતા 12 વર્ષના કિશોર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ માહિતી મળતાની સાથે જ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ઉદ્યોગનગર પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસ દ્વારા સૌપ્રથમ ભોગ બનનાર બાળકીના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસના સતત કાઉન્સાલિંગ અને સમજાવટ બાદ માતા-પિતા આ સમગ્ર ઘટના અંગે વિગતવાર જાણકારી આપવા તૈયાર થયા હતા. માતા-પિતા સાથે વાતચીત દરમિયાન સમગ્ર ઘટનાનો ચિતાર સ્પષ્ટ થયો હતો. ત્યારબાદ આ કાઉન્સાલિંગના આધારે માતા-પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે સંમતિ આપવામાં આવી હતી. માતા-પિતાની સંમતિ મળતાની સાથે જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ રજિસ્ટર કરવામાં આવી છે. પોલીસ દ્વારા પોક્સો સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી કિશોર 12 વર્ષનો હોવાથી તેની સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રામ્ય ડીવાયએસપી સુરજિત મહેડુએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક વિગતો મુજબ, ભોગ બનનાર સાડા ચાર વર્ષની દીકરીને આશરે મહિના-દોઢ મહિના પહેલા જ્યારે કિશોરના ઘરે કોઈ મોટી વ્યક્તિ હાજર ન હતી તે સમયે તેને ઘરે બોલાવી હતી અને આ દુ:ખદ ઘટના ઘટી હતી. આરોપી કિશોરે એકલતાનો લાભ લઈને માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી ખૂબ નાની હોવાથી તે સમયે આ બાબતની ગંભીરતા સમજી શકી ન હતી અને ડરના કારણે કોઈને કહી પણ શકી ન હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ભોગ બનનાર બાળકીની મેડિકલ તપાસણી કરાવવામાં આવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક