ચિતલ, અમરેલી, તા.13 : ચિતલ ગામ પાસે એક ટ્રકની બ્રેક ફેઈલ થવાથી બેકાબૂ બની જતાં રસ્તાના કિનારે આવેલી દુકાનો અને બાઇકને ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે અનેક બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને દુકાનના છાપરાં તૂટી પડયા હતા. સદ્ભાગ્યે મોટી જાનહાનિ ટળી છે.
ચિતલ નજીકથી પસાર થતો એક ટ્રક
અચાનક બ્રેક ફેઈલ થતાં નિયંત્રણ ગુમાવી બેઠો હતો. ટ્રક સીધો રસ્તા પર ઉભેલી 7થી 8 બાઇક
અને દુકાનના ભાગમાં ઘૂસી ગયો હતો. તે સમયે વિસ્તાર ભીડભાડવાળો હોવાથી દુકાનદારો અને
સ્થાનિક લોકોએ જીવ બચાવવા ભાગદોડ મચાવી હતી. ટ્રક બેકાબૂ થતાં ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને
ટ્રકને એકબાજુ વાળી આપતા મોટી દુર્ઘટના ટળી હતી. આ દરમિયાન ડ્રાઈવર ઈજાગ્રસ્ત બન્યો
હતો અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની જાણ થતા ચિતલ પોલીસ
તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રિત કરી અને નુકસાનની ગણતરી શરૂ કરી હતી. પોલીસના
જણાવ્યા મુજબ ટ્રકની બ્રેક સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક
તારણ આવ્યું છે. આ ઘટના બાદ ચિતલ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિક લોકોએ નસીબ જાગ્યું કહીને રાહતનો શ્વાસ લીધો કે ટ્રકના આ બેકાબૂ કૃત્યમાં કોઈ
જાનહાનિ થઈ નથી. પોલીસ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.