• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

સોમનાથમાં પથ્થરમારા મામલે 13ની ધરપકડ, પોલીસે આરોપીઓનું સરઘસ કાઢયું

17ના નામજોગ સહિત 100ના ટોળા સામે ગુનો નોંધાયો : નાયબ મામલતદારની ફરિયાદના આધારે ટોળા સામે ફરજ રુકાવટ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો

વેરાવળ, તા.11 : સોમનાથમાં સરકારી જમીન પર ખડકાયેલા 11 જેટલા ધાર્મિક, રહેણાક અને વાણિજ્ય હેતુના ગેરકાયદેસર બાંધકામોના દબાણો દૂર કરવા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી દરમિયાન ડિમોલિશન સમયે પરિસ્થિતિ વણસી હતી. જેમાં આસપાસના વિસ્તારોમાંથી ધસી આવેલા લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પ્રભાસપાટણ પોલીસના પીઆઈ એમ.વી. પટેલ અને હેડ કોન્સ. કુલદીપાસિંહ પરમારને પથ્થરો વાગી ગયા હોવાથી ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં કડક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં 13 તોફાની તત્ત્વોને ઝડપી પાડયા છે.

આ ઘટનાને લઈ સ્થળ પર દોડી આવેલા એસપી જયદીપાસિંહ જાડેજાએ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તોફાની તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. બાદમાં તંત્રએ ડીમોલેશનની કામગીરીના કરેલા રેકોર્ડિંગના વીડિયો ફુટેજોની તપાસ કરી તોફાની તત્ત્વોની ઓળખ મેળવી હતી. આ ઘટના અંગે નાયબ મામલતદાર રણજીતાસિંહ ખેરએ કરેલી ફરિયાદના આધારે પોલીસે રફીક ગઢિયા ઉર્ફે ગરીયો, શબાના મોઠિયા, રજિયા કાલવાત, સાકિલ ઉર્ફે ભૂરો, ગુલામ સાબીર ડોક્ટર, રાજુશા બાનવા, શકીલ ઉર્ફે ગલી કાલવાત, ઓબામા સાઇન કોલોની વાળો, નદીમ કાલવાણીયા, અયુબ બદામ, રફિક ઉર્ફે બોદુ, શબ્બીર મૌલાના, સુફિયાન કાલવાણીયા, મયુદીન ગોહેલ, આમદ મહિડા, સબ્બીર ભાદરકા, સબ્બીર જાન હારુનભાઇ સહિત 17ના નામજોગ સહિત આશરે 10પ સ્ત્રી-પુરુષોના તોફાની ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

પોલીસે તોફાની તત્ત્વોને પકડી પાડવા માટે તાત્કાલિક કોમ્બિગ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, મોટાભાગના આરોપીઓ ઘટના બાદ નાસી છૂટયા હોવાથી જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ સોર્સના આધારે શોધખોળ હાથ ધરી 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું, જ્યાં આરોપીઓએ હાથ જોડીને માફી માગી હતી અને ભવિષ્યમાં આવા કૃત્ય ન કરવાની ખાતરી આપી હતી.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક