• રવિવાર, 09 નવેમ્બર, 2025

થાનગઢમાં જમીનના વિવાદમાં બે પક્ષ વચ્ચે સશત્ર ધિંગાણું : બે રાઉન્ડ ફાયરિંગ, 4ને ઈજા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ દાખલ કરી 11 સામે ગુનો નોંધ્યો

રાજકોટ, તા.12: સુરેન્દ્રનગરના થાનગઢમાં જમીનના વિવાદમાં બે પક્ષ વચ્ચે સશત્ર મારામારી થતા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા બન્ને પક્ષના ચાર વ્યક્તિને ઈજા થતા સારવાર માટે થાનગઢ બાદ રાજકોટ ખસેડાયા છે. આ મામલે થાનગઢ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ પરથી 11 શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ થાનગઢ દરબારગઢમાં રહેતા દીપેનભાઈ ચંદ્રકાંતભાઈ ભરાડ નામના 28 વર્ષીય યુવાને થાનગઢ પોલીસ મથકમાં ગામમાં જ રહેતા જયપાલ ઉર્ફે ભાણો રઘુભાઈ સીંધવ, રાહુલ ઉર્ફે ચોટી દિનેશભાઈ પરમાર, મેહુલ ઉર્ફે ઘોઘો બહાદુરભાઈ ધોળકિયા, ગોપાલ અને મુન્નો રઘુભાઈ સીંઘવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દીપેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ટ્રેડિંગનો વેપાર કરે છે. દોઢેક વર્ષ પહેલા મોરથરા રોડ પર સીમમાં તેના મામાના નામે છ વીઘા જેટલી જમીન તેણે લીધી હતી. ગઈકાલે રાત્રે તે તથા કાકા હર્ષદભાઈ તથા દાદા ધીરજલાલ હરીભાઈ અને કાકાનો દીકરો પ્રતિક બધા ઘરની બહાર બેઠા હતા. ત્યારે બે બાઈક પર આ પાંચેય શખસ ઘસી આવ્યા હતા. જેમાં જયપાલ ઉર્ફે ભાણાના હાથમાં પિસ્તોલ હતી જ્યારે બીજા ચારેયના હાથમાં તલવાર, પાઈપ અને ધોકા હતા. પાંચેય દીપેન પાસે આવીને ગાળો આપવા લાગતા તેણે ગાળો આપવાની ના પાડતા જયપાલ ઉર્ફે ભાણાએ પિસ્તોલથી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું અને બીજીવાર ફરિયાદી દીપેન સામે તાંકી ફાયરિંગ કરતા મીસ ફાયર થઈ ગયું અને કારતૂસ ઉડીને બહાર નીકળી ગયો હતો. ત્યાં ફરિયાદીના દાદા ધીરજલાલભાઈએ જયપાલ ઉર્ફે ભાણાના હાથમાં ધોકો મારતા હાથમાંથી પીસ્તોલ નીચે પડી ગઈ હતી. બાદ પાંચેય શખસે હથિયારો વડે માર માર્યો હતો. મારામારીમાં દીપેન ભરાડ અને તેના દાદા ધીરજલાલભાઈને ઈજા થતા બન્નેને થાનગઢ બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યારે સામા પક્ષે થાનગઢમાં જૂની ભરવાડવાસમાં રહેતા જયપાલ ઉર્ફે ભાણો રઘુભાઈ સીંધવ (ઉં.27) વર્ષીય યુવાને પોલીસ મથકમાં ગામમાં જ રહેતા દીપેન ભરાડ, પ્રતિક ભરાડ, દીપેનના પિતા અને પ્રતિકના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જયપાલે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મામાની જમીન મોરથરા ગામના રોડ પર આવેલી હોઈ જે જમીનની બાજુમાં આરોપી દીપેનની જમીન આવેલી હોય જે જમીનના શેઢા બાબતે અગાઉ આરોપી દીપેનના મામા સાથે ઝઘડો થયો હોય તે બાબતનું મનદુ:ખ રાખી ગઈકાલે રાત્રે ફરિયાદી જયપાલ મેળા મેદાન પાસે હતો. ત્યારે ભાઈ મુન્નાનો ફોન આવતા તે તુરત જ થાનગઢ હાઈસ્કૂલ પાસે શાળા નં.2 પાસે આરોપીના ઘર પાસે જતા આરોપીઓએ ઝઘડો કરી તલવાર સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી યુવાન અને તેના મીત્ર રાહુલ દિનેશભાઈ પરમારને ઈજા થતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે થાનગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક