અમદાવાદ, તા.11: કેટલાક કેસોમાં બિલ વિના ફટાકડાના વેચાણો થતા જીએસટી કમ્પલાયન્સમાં કરવામાં આવતી ગેરરીતિઓ વિશે મળેલ આધારભૂત બાતમીના આધારે ગુજરાત રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (એસ.જી.એસ.ટી.) વિભાગે ફટાકડાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા 37 કરદાતાઓ વિરૂદ્ધ રાજ્ય વ્યાપી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. વિભાગને મળેલી બાતમી મુજબ કેટલા ફટાકડા વેપારીઓ બિલ વગર ફટાકડાનું વેચાણ કરી રહ્યા હતા. આ માહિતીના આધારે અધિકારીઓએ ગ્રાહક તરીકે વિવિધ સ્થળોએ મુલાકાત લીધી અને મેળવેલી માહિતીના વિશ્લેષણ પછી 9 ઓક્ટોબર, ર0રપના રોજ 1ર શહેરો અને તાલુકાઓ, અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા, આરવલી, સાબરકાંઠા, રાજકોટ, ગાંધીધામ, વાપી, જામનગર, વલસાડ અને મોરબીમાં આવેલા 37 કરદાતાઓના 69 ધંધાના સ્થળોએ તપાસની કામગીરી હાથ ધરી હતી.
તપાસ
દરમિયાન અનેક સ્થળોએ સ્ટોકમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતા. જે મોટાપાયે બિલ વિના
અને હિસાબમાં દર્શાવ્યા વગરના વેચાણ કરી ગેરરીતિ આચરી હોવાનું ધ્યાને આવ્યુ હતું. આ
તારણો પરથી સ્પષ્ટ થાય છે કે કરદાતાઓ દ્વારા ઓછું વેચાણ દર્શાવી અને વેરાની ચુકવણી
ટાળવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ તપાસની કાર્યવાહી
બાદ કુલ રૂ.4.33 કરોડની કરચોરી પકડાઈ હતી.
આ ઉપરાંત
વિભાગ હવે સંબંધિત કરદાતાઓના આગામી જીએસટી રિટર્ન્સ પર પણ નજર રાખશે. જેથી તપાસ બાદ
કરદાતા દ્વારા વેરાની યોગ્ય પ્રમાણમાં ચુકવણી થાય તે સુનિશ્ચિત થાય. પ્રાથમિક રીતે
તપાસ દરમિયાન શોધી કાઢવામાં આવેલી કુલ 4.33 કરોડની કરચોરી ઉપરાંત અંદાજે રૂ.16 કરોડની
વેરાકિય જવાબદારી પણ શોધી કાઢવામાં આવી હતી. જે આગામી રીટર્ન્સમાં દર્શાવવાની થાય છે.
આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ ફટાકડાના મોસમી બીટુસી ક્ષેત્રમાં જીએસટી નિયમોના પાલનને
સુનિશ્ચિત કરવાનો છે.