• મંગળવાર, 24 જૂન, 2025

ભાવનગરમાં પૂર્વ નગરસેવિકાના પુત્ર ઉપર હુમલો કરનાર પાંચની ધરપકડ

ભાવનગર તા.22: ભાવનગરની જોગીવાડાની ટાંકી, લીમડીવાળી સડક પર નાસ્તો લેવા માટે ગયેલા પૂર્વ નગરસેવિકાના પુત્ર ઉપર નજીવી બાબતે છરી અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરનાર પાંચ શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

ભાવનગરના કરચલીયાપરા, રાણીકા પોલીસ ચોકી સામે આવેલી દાતિયાવાળી શેરીમાં રહેતા અને ગંગાજાળિયા તળાવ ઉપર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા પૂર્વ નગરસેવિકા ગીતાબેન મેરનો પુત્ર કુમાર ઉર્ફે ભૂરો તેમજ કુલદીપ સોલંકી બે દિવસ પહેલા જોગીવાડની ટાંકી, લીમડીવાળી સડક પર નાસ્તો લેવા માટે ગયા હતા. ત્યારે નાસ્તાની લારી પર અનીશ મેમણ આવ્યો હતો અને નાસ્તાનો ઓર્ડર આપી પહેલા નાસ્તો આપવાનું કહેતા કુમારભાઈએ કહયું કે ’મેં ઓર્ડર આપ્યો છે તે ઓર્ડર પૂરો કરી તમને નાસ્તો આપશે’, એમ કહેતા અનીશ ઉશ્કેરાઈ ગયો હતો અને કુમારભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન આદિલ બાદશાહ, તેનો ભાઈ મોહમ્મદ કૈફ હાથમાં છરી સાથે દોડી આવ્યા હતા અને કુમારભાઈ ઉપર છરીના આડેધડ ઘા ઝીંકવા લાગ્યા હતા. મારામારીની આ ઘટના અંગે ગીતાબેન મેરે હુમલો કરનાર શખ્સો વિરૂદ્ધ  ગંગાજાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને હુમલામાં સામેલ આદિલ ઉર્ફે બાદશાહ અબ્દુલ રજાક બાતવિલ,અનીશ ઉર્ફે ચીબો ઈકબાલભાઈ માલકાણી, અદનાન ઉર્ફે મુસ્તુફાભાઈ મગરે, અબ્દુલ્લા અમરભાઈ બાજુમેર અને આસિફ ઉર્ફે બાલો અમરભાઈ બાજુમેરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક