• મંગળવાર, 24 જૂન, 2025

હિરલબા જાડેજાના વોટ્સએપ ચેટમાં સાઇબર ક્રાઇમના મજબૂત પુરાવાઓ મળ્યા

શહેરની જુદી જુદી બેન્કમાં ખોલવામાં આવેલા 40થી વધુ ખાતામાં થઇ હતી રૂપિયાની હેરાફેરી : સાઇબર ક્રાઇમના નેટવર્કમાં દુબઇનું કનેકશન ખૂલ્યું

પોરબંદર તા.22: રૂપિયા 70 લાખની લેતી દેતી પ્રશ્ને ત્રણ લોકોને ગોંધીને માર મારવાના ગુનામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતો સામે સાઇબર ક્રાઇમનો ગુનો નોંધાયો હતો. જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કરોડોના ડીજીટલ એરેસ્ટમાંથી અમુક રકમ હિરલબાના સાગરિતોના ખાતામાં જમા થયાનું ખૂલ્યુ છે તેથી પોલીસ જૂનાગઢ જેલમાંથી હિરલબા જાડેજા અને તેના એક સાગરિતનો કબ્જો લીધો હતો અને દસ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. ત્યારે ગ્રામ્ય ડી.વાય.એસ.પી. એ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલીક ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી. જેમાં હિરલબા જાડેજાના વોટ્સએપ ચેટમાં નાણાની હેરાફેરીના ખૂબ જ મજબૂત પુરાવા પોલીસને મળી ગયા છે અને હજુ આ ગુનામાં દુબઇથી પણ નેટવર્કનો ઉપયોગ થયાની સંડોવણી ખુલી છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ કૌભાંડ ચાલતુ હોવાની શકયતાના આધારે પોલીસે તપાસ હાથ

ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસમથકના  પી.એસ.આઇ. વી.આર. ચાવડાની તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે કોટક મહિદ્રા બેન્કના 14 જેટલા શંકાસ્પદ ખાતા હિરલબા સાથે સંકળાયેલા હોય તેવા લોકોના મળ્યા હતા. જેમાં પાંચ જેટલા ખાતામાં સાઇબર ક્રાઇમના ગુનામાં છેતરપીંડીથી મેળવેલા 35 લાખ 70 હજાર જેવી માતબર રકમ આ ખાતામાં ટ્રાન્સફર થઇ હતી અને ટૂંકા ગાળામાં ખુલેલા 14 ખાતામાંથી 10 ખાતાનું એડ્રેસ હિરલબા જાડેજાનું નિવાસસ્થાન હતુ. તેથી બેન્ક મેનેજરના નિવેદનબાદ પોલીસે હિરલબા સહિત છ શખ્શો સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુએ જણાવ્યુ હતુ કે હિરલબા અને હિતેશના બે દિવસના રીમાન્ડ મંજૂર થયા છે તેની સાથોસાથ અમે મજબૂત પુરાવાઓ એકત્ર કરી લીધા છે અને આ ગુનામાં હિરલબાની જ સીધી સંડોવણી હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યુ છે. હિરલબાના વોટ્સએપ ચેટમાં આ ગુનામા સંબંધિત મહત્વના પૂરાવા મળી ચૂકયા છે. જેમની સામે સાઇબર ક્રાઇમના ગુના અલગ-અલગ રાજ્યમાં નોંધાયા છે તે આરોપીઓ સાથેની હિરલબાની ચેટ પ્રાપ્ત થઇ છે એટલું જ નહી પરંતુ જે રૂપિયાના ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા તેની પહોંચના ફોટા, ઓનલાઇન ટ્રાન્સફર થયુ હોય તેના પુરાવા, કાગળમાં હિસાબ અને લખાણ કર્યા હોય તેના પુરાવાથી માંડીને સાઇબર ક્રાઇમની નોટીસ મળી હોય તેવી નોટીસ પણ હિરલબાના વોટ્સએપ ચેટમાંથી મળી છે. સહી કરેલા સેલ્ફના અને કોરા ચેકના ફોટા પણ હિરલબાના વોટ્સએપમાંથી મળ્યા છે.  આ સાઇબર ક્રાઇમના ગુન્હામાં દુબઇથી નેટવર્ક ઓપરેટ થતુ હોય તેવા પણ કેટલાક પુરાવાઓ મળ્યા છે તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડ ચાલતુ હોય તેવી શકયતા છે. અને આંતરરાષ્ટ્રીય ગેંગની સંડોવણી પણ ટૂંક સમયમાં ખુલે તેવી શકયતા જણાઇ રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક