વેરાવળ, તા.22: વેરાવળ શહેરની ભગોળે આવેલ હરસિધ્ધિ સોસાયટીના અવાવરૂ વિસ્તારમાં ઝાડની ડાળીએ દોરી વડે લટકી જઈ પ્રેમી-પંખીડાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધાની ઘટના સામે આવતા શહેરભરમાં ચકચાર પ્રસરી છે. આજે વ્હેલી સવારે સોસાયટીના છેવાડાના ભાગે આવેલી અવાવરુ જગ્યામાં એક યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતા હોવાનું જોવા મળતા સ્થાનિક લોકોએ તુરંત જાણ કરી હતી. જેના પગલે પીએસઆઈ જી.એન.કાછડ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંન્ને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલએ ખસેડી તપાસ હાથ ધરી હતી. આ અંગે ડીવાયએસપી ખેંગારએ જણાવ્યું કે, મૃતક યુવક-યુવતી ખારવા સમાજના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મૃતક યુવકની ઓળખ રેયોન હાઉસીંગ સોસાયટીમાં રહેતો કમલેશ કિશનભાઈ ભારાવાલા (ઉ.વ. 29) તરીકે થઇ અને તે પરણિત હતો. યુવતીની ઓળખ ખડખડમાં રહેતી નંદની વેલજીભાઈ કુહાડા (ઉ.વ. 20) તરીકે થઈ છે. પોલીસે બંન્નેના મૃતકોના પરિવારજનોને જાણ કરી નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને કારણે બંન્નેએ આપઘાત કર્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.