• મંગળવાર, 24 જૂન, 2025

ગોંડલના ચરખડીમાં ટ્રેક્ટર નીચે ચગદાઇ જતા બાળકનું મૃત્યુ

ટ્રેક્ટર નીચે રમી રહ્યો હતો બાળક : આદીવાસી પરિવારના એકના એક પુત્રના મૃત્યુથી પરિવાર શોકમય

ગોંડલ, તા.21: ગોંડલ તાલુકાનાં ચરખડી ગામે વાડીમાં બાળક ટ્રેક્ટર નીચે રમી રહ્યંy હતું. આ વાતથી અજાણ ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર ચાલુ કરતા અડફેટે આવેલા બાળકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યુ હતું. બનાવ બાદ બાળકનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પીએમ માટે લઇ જતા સમયે સ્ટ્રેચરમાંથી બાળકના માતા પિતા મૃતદેહ લઇ ચરખડી નાસી જતા તાલુકા પોલીસે બાળકના મૃતદેહ સાથે તેના માતા-પિતાને ફરી ગોંડલ હોસ્પિટલ લઇ આવી પીએમ કરાવ્યું હતું. 

પ્રાપ્ત વિગત મુજબ ચરખડી ઉદયભાઇ કંડોળીયાની વાડીમાં મુળ  મધ્યપ્રદેશનાં આદીવાસી અખિલેશ નહાલ પરીવાર સાથે ખેતમજુરી કરી રહ્યા હતા ત્યારે તેમનો સાત વર્ષનો પુત્ર તેજ વાડીમાં ઉભેલા ટ્રેક્ટર નીચે રમતો હતો. આ સમયે આ વાતથી અજાણ ઉદયભાઇએ ટ્રેક્ટર ચાલુ કરી ચલાવતા તેજ ટ્રેક્ટર નીચે આવી જઈ ચગદાઇ જતા તેનુ કરુણ મૃત્યુ નિપજ્યું હતુ. બનાવ બાદ બાળક નાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. એકના એક પુત્રનુ નજર સામે મૃત્યુ થતા પરીવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક