• શનિવાર, 24 મે, 2025

નવલખી ફાટક નજીક નાલાની ખુલ્લી કૂંડીમાં પડી જતા 6 વર્ષીય બાળકનું મૃત્યુ

પાલિકામાં અગાઉ અનેક રજૂઆતો થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે બાળકનો ભોગ લેવાયો

મોરબી, તા.26 : શહેરમાં નવલખી ફાટક નજીક નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું કરુણ મૃત્યુ થયું છે. જેને લઈને બાળકના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. બીજી તરફ આ મામલે પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના નવલખી ફાટક પાસે સેન્ટમેરી સ્કૂલના દરવાજા સામે નાલાની ખુલ્લી 8 ફૂટની જીવલેણ કુંડી છે. આજે સાંજે 5:30 વાગ્યાના અરસામાં નવલખી રોડ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા પરિવારના 6 વર્ષીય બાળક રવિ સનાભાઈ નાયક કુંડીમાં પડી ગયો હતો. આ કુંડીમાં ગંદુ પાણી અને કચરો હતો. બાળક કુંડીમાં પડી જતા તેનું કરુણ મૃત્યું નીપજ્યું છે. આ બનાવને પગલે પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક બાળકના પરિવારજને જણાવ્યું કે, અમે માત્ર સામાન ખાલી કરવા ગયા હતા. બાળક ભાગ લેવા ગયો હતો. પાછો ન આવતા સીસીટીવીમાં જોયું હતું. બાદમાં આ કુંડીમાંથી અમે લાકડા અને સળિયાની મદદથી બાળકને બહાર કાઢ્યો હતો પણ બાળકનો જીવ બચ્યો નહિ. જો આ કુંડી ઢાકેલી હોત તો બાળક અમારી વચ્ચે હયાત હોત. ઉલ્લેખનીય છે કે આ ખુલ્લી કુંડીને લઈને પાલિકામાં અગાઉ અનેક રજૂઆતો થઈ છે પણ કોઈ કાર્યવાહી ન થતા અંતે બાળકનો ભોગ લેવાયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક