• રવિવાર, 27 એપ્રિલ, 2025

ગારીયાધાર પંથકમાં વધી રહ્યા છે ચોરીના બનાવો

            પીપળવા, માંગુકા ગામે  20 દિવસમાં ચોરીના 5 બનાવ: ગ્રામજનો ઉઠાવી રહ્યા છે પોલીસની કામગીરી પર સવાલ

ગારીયાધાર,તા.26: ગારીયાધાર પંથકમાં તસ્કરોને પોલીસનો જાણે ડર જ ન રહ્યો હોય તેમ ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં નાની-મોટી ચોરીના 5 જેટલા બનાવો બન્યા છે ત્યારે પોલીસ ઊંઘતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ ગારીયાધાર પંથકના પીપળવા, માંગુકા ગામે છેલ્લા 20 દિવસમાં ચોરીના 5 બનાવો બન્યા છે. જેમાં મેલડી માતાજીના મંદિરેથી ચાંદીના છતરની ચોરી, ખોડિયાર મંદિરેથી રોકડ રકમ ઉપરાંત વાડી વિસ્તારમાંથી ટ્રેક્ટર અને સોલાર બેટરીઓ અને બાઈક ચોરીની ઘટનાઓ બની છે. જયારે આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રૂપાવટી, ભંડારિયા અને મેસણકા ગામ નજીક રાત્રીના સમયે વાહનચાલકો પાછળ અજાણ્યા બુકાનીધરી શખસો રેકી કરતા હોવાની ગ્રામજનોમાં ફરિયાદ ઉઠી છે. આવી તમામ બાબતો સામે હોમગાર્ડ અને જીઆરડીના ભરોસે તાલુકો બેઠો છે. તાલુકામાં કોઈ મોટી ઘટના બને તે પહેલા જીલ્લા પોલીસ વડા રાત્રીના સમયે ઓચિંતી મુલાકાત કરવામાં આવે તો સ્થાનિક પોલીસ દ્વારા ચાલતી કામગીરીનો ખ્યાલ આવે તેવું લોકો કહી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક