જામનગર તા.18 : જામનગરમાં ફાયનાન્સની
ઓફિસમાં ચાલતો ક્રિકેટ મેચનો સટ્ટો ઝડપાયો હતો પોલીસે ત્રણ ઈસમની અટકાયત કરી હતી.
સીટી સી ડિવિઝનના પોલીસ સ્ટાફને
ચોક્કસ બાતમી મળી હતી, કે ખોડીયાર કોલોની મેઈન રોડ પર બ્લુ ક્લબની બાજુમાં આવેલા આશાપુરા
કોમ્પલેક્ષમાં ક્રિષ્ના ફાયનાન્સ નામની ઓફિસમાં કેટલાક શખ્સો એકત્ર થઈને મોબાઈલ ફોન
મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે ક્રિષ્ના ફાયનાન્સની
ઓફિસમાં દરોડો પાડયો હતો. પોલીસે ફાયનાન્સ ઓફિસનાં સંચાલક ચિરાગ સુરેશભાઈ આહીર (ઉ.વ.36,
રહે.મેહુલનગર 80 ફૂટ રીંગ રોડ, વૃંદાવન સોસાયટી શેરી નં.ર, જામનગર), રવિ નવીનભાઈ ગોરી
(ઉ.વ.30, રહે. દિ.પ્લોટ-ર9, એમ્પાયર ટાવર સામે, શારદા મકાન જામનગર) અને સિકંદર ઈસ્માઈલભાઈ
દલવાણી (ઉ.વ.39, ગ્રીન રેસીડેન્સી, મકાન નંબર એ/303, ક્રિષ્ના સ્કૂલની બાજુમાં, 80
ફૂટ રીંગ રોડ, જામનગર)ની અટકાયત કરી હતી. સાથે રૂ.3.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
હતો. પોલીસની પૂછપરછ દરમિયાન ખોડીયાર કોલોની વિસ્તારમાં જ રહેતા મહેન્દ્રસિંહ રાણા
નામના મુખ્ય બુકી સાથે ક્રિકેટની આઈડી પર સોદાની કપાત કરાવતા હોવાનું ખુલ્યુ હતું.
આથી પોલીસે મહેન્દ્રસિંહને ફરારી જાહેર કરી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા
છે.