બે કરોડની કિંમતનો જથ્થો જામનગર
ડીઆરઆઇએ ઝડપ્યો : કસ્ટમ તંત્રને થાપ આપી
મુંદરા, તા. 16 : મુંદરા પોર્ટમાંથી
કસ્ટમ તંત્રને થાપ આપીને સોપારી નીકળી ચૂકી હોવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે.
જામનગર ડીઆરઆઇ દ્વારા બાતમીને આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં રૂા. બે કરોડની કિંમતનો
35 ટન સોપારીનો જથ્થો તુગલખાબાદમાંથી ઝડપી પડાયો છે.
ગુરુવારે રાત્રે આધારભૂત રીતે
મળતી માહિતી મુજબ દુબઇથી આયાત થયેલા અને મુંદરા પોર્ટમાંથી પસાર થયેલા ત્રણ કન્ટેનરને
તુગલખાબાદ આઇસીડી (ઇન્લેન્ડ કન્ટેનર ડેપો)માં કબજે લેવાયા છે.
જામનગરની ટીમે તુગલખાબાદ સુધી
પહોંચીને કરેલી કાર્યવાહીમાં આ ત્રણેય કન્ટેનર દુબઇથી રવાના થઇ મુંદરા પોર્ટમાં ઊતરીને
રેલવે માર્ગે તુગલખાબાદ ખસેડાયા હતા, જ્યાં તપાસ કરતાં ત્રણ કન્ટેનરમાંથી 35 ટન સોપારી
નીકળી હતી, જ્યારે તુગલખાબાદના આયાતકાર દ્વારા પ્રોસેસ રબર ઓઇલ હોવાનું દર્શાવાયું
હતું.
સોપારી નીકળી પડતાં આગળની કાર્યવાહી
હાથ ધરાઇ છે. આ ઘટના સાથે બહુ વગોવાયેલી સોપારીની દાણચોરીની ખેપ હજુ ચાલુ જ છે અને
કસ્ટમ તંત્ર ઊંઘતું ઝડપાયાનું બહાર આવ્યું છે.