અમદાવાદ, તા.16 : અમદાવાદના સેટેલાઇટ
વિસ્તારમાં ઓફિસ ભાડે રાખ્યા પછી વિઝાનો ધંધો શરૂ કરી તેમાં જરૂરિયાત હોવાનું કહીને
1.40 કરોડની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ બોડકદેવના રહીશે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં
નોંધાવી છે. બોડકદેવના 67 વર્ષના જમીન-મકાનના ધંધાર્થી કિરીટ હિંમતલાલ ધોળકિયાએ નિકોલના
રહીશ જીજ્ઞેશ મહેન્દ્ર પટેલ અને હિરલ જીજ્ઞેશ પટેલ સામે 1.40 કરોડની છેતરપિંડીની ફરિયાદ
નોંધાવી છે.
પોલીસ ફરિયાદના અનુસાર કિરીટ
ધોળકિયાના પુત્ર અને પુત્રવધૂના માલિકી હક્કમાં રહેલી સેટેલાઇટના વિનસ એમેડીઝમાં આવેલી
ઓફિસ વર્ષ 2020માં જીજ્ઞેશ પટેલે વિઝાનાં કામકાજ માટે ભાડેથી રાખી હતી. આ રીતે ભાડુઆત
તરીકે સંબંધ થયા પછી ઉછીના પૈસા માગવાનું શરૂ કરાયું હતું.
ટુકડે-ટુકડે ધંધાના કામ માટે
કુલ 1.40 કરોડ રૂપિયા ઉછીના મેળવવામાં આવ્યા હતા. ગ્રીન એવન્યુ ખાતે પોતાની ઓફિસનો
કબજો આપવાની શરતે તેમજ સાહેદ સાર્થક ભટ્ટને પાવન રેસિડન્સીનું મકાન નોકરી બાનાખત આપી
પાંચ લાખ મેળવ્યા હતા. આ મકાન અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યું હતું, જીજ્ઞેશ પટેલ
અને હીરલ જીજ્ઞેશ પટેલે ગુનાઇત કાવતરું રચી ઓફિસ ભાડેથી લઈને વિઝાનો વ્યવસાય કરવાના
બહાને 1.40 કરોડ રૂપિયા મેળવ્યા હતા. આ રૂપિયા પરત નહીં આપીને કિરીટભાઈ અને તેમના જમાઈ
સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.