અમદાવાદનો ગઠિયો ઝડપાયો : બે વર્ષના વિઝા અપાવી દેવાના બહાને કળા કરી’તી
પોરબંદર,
તા.18 : મીત્રાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા વેજા દેવસીભાઈ ભુતિયા નામના આધેડે અમદાવાદના
નવરંગપુરામાં ઓફિસ ધરાવતા રાજકુમાર ઉર્ફે રાજ અશ્વિન પંડયા નામના શખસે કેનેડાની વિઝા
અપાવી દેવાના બહાને રૂ.6 લાખની ઠગાઈ કરી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો
નોંધ્યો હતો. આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદી વેજા ભુતિયાના ગુંદા ગામે રહેતા
દુરના સગા હરીશ લાખા કુછડિયા સાથે કેનેડા કામધંધા
માટે જવું હોય એજન્ટની તપાસ કરતા હતા ત્યારે ગુંદાગામની ડેનીશાબેન પટેલ અમદાવાદ સાસરે
હોય તેણે અમદાવાદના અપૂર્વભાઈના નંબર આપ્યા હતા અને અપૂર્વએ નવરંગપુરામાં નિર્મલ ટાવરમાં
વી.આઈ.કન્સ.નામે ઓફિસ ધરાવતા રાજકુમાર ઉર્ફે રાજ પંડયાનો સંપર્ક નંબર આપ્યો હતો અને
વેજાભાઈ અને હરીશભાઈ અમદાવાદ રાજ પંડયાને મળવા ગયા હતા અને બે વર્ષ માટે કેનેડાની વિઝાના
રૂ.છ લાખની વાત કરતા રાજ પંડયાને બાદમાં રૂ.6 લાખની રકમ ચૂકવી હતી. બાદમાં વિઝા નહીં
મળતા પૈસા માગતા ઠગાઈ કરવામાં આવી હોવાનું જણાયું હતું અને મામલો પોલીસમાં પહોંચ્યો
હતો અને વેજા ભુતિયાની ફરિયાદ પરથી રાજકુમાર ઉર્ફે રાજ પંડયા વિરુદ્ધ ગુનો નોંધ્યો
હતો. દરમિયાન પોલીસે બાતમીના આધારે કપડવંજથી અમદાવાદના રાજકુમાર ઉર્ફે રાજ અશ્વિન પંડયાને
ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.