ચેકિંગ
દરમિયાન મહિલા સરપંચના ઘરમાંથી ડાયરેક્ટ ‘લંગરિયું’ જોડાણ મળી આવતા રૂ.2.18 લાખની વીજચોરીની
ફરિયાદ
જામનગર
: સિક્કા દિગ્વિજય ગ્રામ ખાતે સરપંચના ઘરે ગયેલી વીજ ટુકડીને ગાળો આપી ફરજમાં રૂકાવટ
કરી હોવાની ફરિયાદ થઈ છે. સિક્કા દિગ્વિજય ગ્રામ ખાતે રહેતા પૂર્વ સરપંચ જગદીશભાઈ ચૌહાણે
સિક્કામાં આવેલી વીજ કંપનીની ઓફીસમાં ફોન કરીને વીજળી અંગે રાવ કરી હતી. તેઓએ ડીમ વોલ્ટેજ
મળતા હોવાનું કહેતા ફરજ પર રહેલા કર્મચારીઓ થોડી રાહ જોવાનું કહેતા પૂર્વ સરપંચ જગદીશભાઈએ
ગાળો આપી હતી. ત્યારપછી વીજ કંપનીના કર્મચારીઓ કનુભાઈ રામભાઈ ડામોર, સંજય કડવાજી ડામોર,
અલ્પેશ નારણભાઈ, વિશાલ હરીશભાઈ ગંઢા, દિનેશ રમેશભાઈ કટરા વીજક્ષતિ નિવાર માટે તેમના
ઘેર ગયા હતા. ત્યાં ડીમ લાઈટ હોવાથી જગદીશભાઈ ઘરની પાસે કેબલ બદલાવવાની કામગીરી શરૂ
કરી હતી. આ વેળાએ ત્યાં ઘસી આવેલા જગદીશ ચૌહાણ અને હાલમાં સરપંચ તરીકે કાર્યરત તેમના
પત્ની રેખાબેન ચૌહાણે કામ નહીં કરવા દઈ અપશબ્દો કહ્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી. આ અંગે પીજીવીસીએલની ટીમે સિક્કા પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
છે. આ ઉપરાંત રૂ.ર લાખ 18 હજાર જેવી મોટી રકમની વીજચોરી કરી હોય તેનું બિલ બનાવીને
આપ્યું હતું. પોલીસે મહિલા સરપંચ અને તેના પતિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ
ધરી છે.