• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી નશાખોર બોગસ ડોક્ટર ઝડપાયો ગળામાં સ્ટેથોસ્કોપ નાખી ફરતો હતો, વોચમેનને શંકા જતા પકડી પાડયો

સુરત, તા.9: સુરત શહેરમાં હવે લોકોને કાયદાનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે ! શહેરમાંથી અવાર નવાર બોગસ તબીબો ઝડપાવાની ઘટનાઓ બની રહી છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા છે. ગત સપ્તાહ દરમિયાન ઉધના, લિંબાયત, ડીંડોલી વિસ્તારમાંથી 16 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાયા હતા ત્યારે આજે સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની હોસ્પિટલના ચોથા માળેથી નશાની હાલતમાં અને ગળામાં સ્ટેથોસ્કોપ નાખી ફરતો વધુ એક બોગસ તબીબ પકડાયો હોવાની વાતથી સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી હતી. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બોગસ તબીબને પકડી પાડી ખટોદરા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ આજે સવારના સુમારે નવી સિવિલના કિડની હોસ્પિટલ વિભાગના ચોથા માળે એક બોગસ તબીબ નશાની હાલતમાં ગળામાં સ્ટેથોસસ્કોપ નાખી ફરી રહ્યો હોવાની સામાન્ય નાગરિક કે ત્યાં આવેલા દર્દીઓ તેને તબીબ જ સમજી રહ્યા હતા. આ દરમિયાન નશાની હાલતમાં ફરી રહેલા તબીબ પર હાજર વોચમેનને શંકા જતા તેને પકડી પાડયો હતો અને આ બોગસ તબીબને આરએમઓની ઓફિસમાં લઈ જઈ તેની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી ડોક્ટર હોવાના કોઈ પણ પુરાવાઓ મળ્યા ન હતા. અને તેનું વધુ પૂછપરછ કરતા તે સગરામપુરાના વર્ધમાન ટેરેસમાં રહેતો હોવાનું અને તેની ઓળખ શિવાજી બાબુરાવ જાધવ તરીકે આપી હતી. જેથી સુરત નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ ખટોદરા પોલીસ મથકમાં જાણ કરી આ બોગસ તબીબને સોંપ્યો હતો. હાલ પોલીસે શિવાજીરાવ જાધવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક