• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

ઓખાના પ્રતિબંધિત હાર્બર વિસ્તારમાં પ્રવેશી ફેરીબોટ મુસાફરોને કરાવે છે ‘ડોલ્ફિન દર્શન’!

મેરીટાઇમ બોર્ડના આદેશના પાલન અંગે મરીન પોલીસની ઉદાસીનતા શંકાસ્પદ: પોલીસ વડા તપાસ કરે એવી માગ

(ફૂલછાબ ન્યૂઝ)

ઓખા, તા.17: ઓખા - બેટ-દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસના સંચાલકો કમાણી કરવા પ્રતિબંધિત હાર્બર વિસ્તારમાં મુસાફરોને ડોલ્ફિન દર્શન કરાવવા ગેરકાયદે ટૂર પર લઇ જતા હોવાની રાવ અવારનવાર ઉઠતી રહે છે. તા.21/2/2023નાં મેરીટાઇમ બોર્ડે દ્વારા હાર્બર વિસ્તારમાં ફેરીબોટનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર પણ બહાર પાડયો હતો પરંતુ બે દિવસ પહેલા ફરીથી એક ફેરીબોટ હાર્બર વિસ્તારમાં ઝડપાઇ હતી. એમ.એન.વી.807 નંબરનું રજિસ્ટ્રેશન ધરાવતી ‘અલકાદરી’ નામની ફેરી બોટ મુસાફરોને ડોલ્ફીન બતાવવા પ્રતિબંધિત વિસ્તારમાં ગયા પછી પોલીસની પેટ્રોલિંગ બોટે તેને ઝડપી લઇ બોટ સંચાલકને પોલીસ સ્ટેશને મોકલવામાં આવી હતી પરંતુ અંગે કોઇ કાર્યવાહી કરતા ઓખા પોલીસની કામગીરી શંકાસ્પદ જણાય આવે છે.

ઉલ્લેખનીય છે કે બે માસ પૂર્વે ડોલ્ફિન જોવા હાર્બર વિસ્તારમાં મુસાફરો લઇ ગયેલી એક ફેરીબોટ મધદરીયે બંધ થઇ જતા મુસાફરોનાં જીવ પડીકે બંધાયા હતાં. ઘટના પછી મેરીટાઈમ બોર્ડે પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે મુદ્દે તપાસની કમાન સંભાળી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠી છે. મેરીટાઇમ બોર્ડે 500 રૂ.નો દંડ તથા 15 દિવસ માટે બોટનું લાયસન્સ સસ્પેન્ડ કરતા મુસાફરોનો જીવ જોખમમાં મૂકનાર બોટ સંચાલકો વિરુદ્ધ ‘કડક’ કાર્યવાહી કરી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.