• સોમવાર, 20 માર્ચ, 2023

Breaking News

ભોગાત ગામે દરિયાઈ પટ્ટી ઉપર ગેરકાયદે 132 દબાણો પર સરકારી બુલડોઝર ફર્યુ

ધાર્મિક, 30 કોમર્શિયલ, 100 જેટલા રહેણાક વિસ્તાર મળીને કુલ 26,43,000ની કિંમતની 60 હજાર ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ

(ફૂલછાબ ન્યૂઝ)

ખંભાળિયા, દ્વારકા, તા.17: કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે દરિયાઈ પટ્ટી ઉપર ગેરકાયદેસર દબાણ તોડી પાડવા માટે આજે સાતમા દિવસે કાર્યવાહી હાથ ધરાઈ હતી અને કુલ 132 દબાણ પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. જેમાં 2 ધાર્મિક સ્થાનો, 30 કોમર્શિયલ, 100 જેટલા રહેણાંક વિસ્તાર મળીને કુલ 26,43,000ની કિંમતની 60 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્ર કિનારા સાથે જોડાયેલા સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ એક સપ્તાહથી ચાલી રહેલી ડિમોલીશન કામગીરીના આજે સાતમા દિવસે ભોગાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં અનધિકૃત દબાણ કરાયેલા ગેરકાયદેસર બાંધકામો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતુ. દ્વારકા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતાજીના મંદિરના વિસ્તારની આજુબાજુ આવેલા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં લાખો ફૂટ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાયાનું તંત્રને ધ્યાને આવતા છેલ્લા સાત દિવસથી ડીમોલેશન ચાલુ કરવામાં આવ્યું છે. ડીમોલીશનનું બુલડોઝર આજે સવારે કઈ દિશામાં ફરી વળશે તે બાબતે સૌની મીટ મંડાઈ રહી છે. સાત દિવસના ડીમોલીશનમાં આજનો ડીમોલીશન મોટું ડીમોલીશન માનવામાં આવી રહ્યું છે.