• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

મની લોન્ડરિંગ કેસમાં ગાંધીધામ, ભાવનગર અમદાવાદ સહિતનાં સ્થળોએ ઇડીના દરોડા મની લોન્ડરિંગ કેસમાં ગુજરાતના પૂર્વ ઈંછજ અધિકારીની ધરપકડ

અમદાવાદ, તા. 6: (ફૂલછાબ ન્યુઝ) ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી કરોડો રૂપિયાના બોગસ કૌભાંડો ઝડપાય છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને અમદાવાદ સુધીનાં 25 સ્થળે સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. તે અંતર્ગત અમદાવાદ સહિત ગાંધીધામ, ભાવનગર, મુંબઈ, બેંગલુરુ સહિતનાં સ્થળોને આવરી લઈને સર્ચની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક કેસમાં ઇડી પીએમએલએ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરીને ગાંધીનગરનાં પૂર્વ આઇઆરએસ અધિકારી સંતોષ કરનાનીની પણ ધરપકડ કરી છે. તેમની સામે 30 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો. ઇડીએ 2002ના પીએમએલએ (મની લોન્ડરિંગ) કેસમાં આ કાર્યવાહી છે. ઇડીએ આ કેસમાં 29 લાખ રૂપિયા રોકડા અને વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા છે. 

નોંધનીય છે કે, પાલિતાણાના મોહમ્મદ એઝાઝ બોમર અને અન્ય સામેના ફ્રોડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. આશરે ચાર મહિના પહેલાં પાલિતાણામાંથી કરોડો રૂપિયાના પકડાયેલા જીએસટી કૌભાંડમાં સ્ટેટ જીએસટીના એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજુ કાળુભાઈ ચૌહાણ, ખાલીદ હયાતભાઈ ચૌહાણ, મોહમ્મદ એઝાઝ બોમર, અમન હુસૈનભાઈ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓએ પાલિતાણાથી સમગ્ર દેશમાં 2700 જેટા બોગસ જીએસટી નંબરો મેળવ્યા હોવાનું કહેવાય છે. આમ જીએસટી કૌભાંડોથી કેન્દ્રીય એજન્સીઓની બાજ નજરે ચડી ગયેલા ભાવનગર, ગાંધીધામ સહિતના ગુજરાતનાં શહેરોમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ત્રાટક્યું છે અને બે દાયકા જૂના મની લોન્ડરિંગના એક કેસમાં મોટા પાયે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના ડઝન જેટલાં સ્થળો સહિત દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં 25 સ્થળે કાર્યવાહી કરવામાં આવી હોવાના નિર્દેશ છે. ઇડીના આ ઓપરેશનમાં 29 લાખ રૂપિયા રોકડા તથા કરોડોની હેરાફેરી દર્શાવતા શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક