• બુધવાર, 13 મે, 2026

ધોરણ 10ના 9.07 લાખ વિદ્યાર્થીનું આજે પરિણામ ડિપ્લોમા પ્રથમ વર્ષમાં પ્રવેશની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજકોટ, અમદાવાદ, તા. 5: ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગઈકાલ તારીખ 4ના રોજ જાહેર કરાયા બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ તારીખ 6 મેના રોજ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા 9.07 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી.

 ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર તારીખ 06ના રોજ સવારના 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વ્હોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-2026ના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.

એસીપીડીસી દ્વારા જારી કરાયેલી એક યાદી અનુસાર વર્ષ 2026-27 માટે ધો-10 પછીના ડિપ્લોમા પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેના વેબ બેઝડ ઓનલાઇન પ્રવેશ કાર્યક્રમ અંતર્ગત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા:08/05/2026થી શરૂ થનાર છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સમયસારણી મુજબ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉમેદવારે કોઇપણ દસ્તાવેજ રૂબરૂ આપવા કે ચકાસણી કરાવવા જવાની જરૂર નથી, પ્રવેશ માટેની સંપૂર્ણ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક