પોલીસે મૃતદેહ બહાર કાઢી તપાસ હાથ ધરી : પરિણીત મહિલા પતિથી અલગ પિયરમાં રહેતી હોવા છતાં તેણે બાળકને જન્મ આપ્યો હતો
(ફૂલછાબ ન્યૂઝ)
પોરબંદર તા. પ : પોરબંદરનાં ઓડદર
ગામે ગેરકાયદે સંબંધોના પાપને છુપાવવા માટે એક માસૂમ નવજાત શિશુની હત્યા કરી દેવાની
અરેરાટીભરી ઘટના સામે આવી છે. પરિણીત મહિલા પતિથી અલગ પિયરમાં રહેતી હોવા છતાં તેણે
બાળકને જન્મ આપ્યો હતો. સમાજમાં બદનામીના ડરથી અને આ અનૈતિક સંબંધો પર પડદો પાડવા માટે
મહિલાએ પોતાના જ ફૂલ જેવાં બાળકને મોતને ઘાટ ઉતારવાનું ક્રૂર કાવતરું ઘડ્યું હતું.
વધુમાં ફરિયાદ કરતા મહિલાના પતિ
વિપુલે જણાવ્યું હતુકે આ કરપીણ હત્યામાં મહિલાએ તેના પ્રેમી અને પોતાની માતાની મદદ
લીધી છે. હિતેષ ખીમાભાઈ ડાકી નામના શખસે બાળકને મોતને ઘાટ ઉતાર્યું હતું, ત્યારબાદ
પુરાવાનો નાશ કરવા માટે મહિલાની માતા દુધીબેન મુરુભાઈ વાજા અને તેની પુત્રી જાગૃતિએ
મળીને બાળકની લાશને બાવળની કાંટાવાળી અવાવરું જગ્યાએ દાટી દીધી હતી. મહિલાએ પાપ છુપાવવા
માટે સરકારી દસ્તાવેજોમાં પિતા તરીકે તેના પતિનું નામ લખાવી ખોટી વિગતો પણ આપી હતી.
પોલીસે આ મામલે ગુનો નોંધી મહિલા,
તેની માતા અને તેના પ્રેમી સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. તપાસનીશ
ટુકડીએ બાળકના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો છે. એક
સગી જનેતાએ જ પ્રેમી સાથે મળીને પોતાના સંતાનની હત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે રોષ
જોવા મળી રહ્યો છે.
માધવપુર પોલીસ મથકના પીઆઇ ડી.
ડી. ચૌહાણે વિગત આપતા જણાવ્યું હતુકે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું
હતું કે, આરોપી હિતેશ ખીમા ડાકી સંબંધે જાગૃતિના મામાનો દીકરો થતો હોઈ અને તેની સાથેના
અનૈતિક સંબંધે બાળકનો જન્મ થયો હતો.