• બુધવાર, 13 મે, 2026

ચીન-બાંગ્લાદેશમાં નિકાસને પગલે કોટન યાર્નનો ભાવ ટોચ પર યાર્ન ચાર વર્ષ પછી કિલોએ રૂ. 300 ઉંચકાયા, રિટેઇલ કાપડ પણ મોંઘું

રાજકોટ,તા.4: (ફૂલછાબ ન્યૂઝ) ટેક્સટાઇલ અને યાર્નની આક્રમક નિકાસને પગલે કોટન યાર્નના ભાવમાં વિક્રમી તેજી થઇ ગઇ છે. યાર્નની અસરથી સંકર રૂની ગાંસડી અને કપાસના ભાવમાં પણ તેજી આવી ચૂકી છે. અલબત્ત, યાર્નના ભાવ પ્રતિ કિલો રૂ. 300ની ચાર વર્ષની ટોચ પર પહોંચી ગયા છે. યાર્નને લીધે કાપડના ભાવમાં દોઢ બે માસમાં રૂ. 10થી 25 પ્રતિ મીટર વધારો થઇ ગયો છે. જેની અસર હવે રેડીમેડ ગારમેન્ટના ભાવ પર પણ દેખાશે.

પાછલા ત્રણ સાડા ત્રણ મહિનાથી ચીન અને બાંગ્લાદેશની મજબૂત માગ યાર્ન અને ટેક્સટાઇલમાં છે. બીજી તરફ ચાલુ વર્ષે 43 લાખ ગાંસડીની આયાત અને ઘરેલુ પાક મોટો હોવા છતાં અછત દેખાય છે. સીસીઆઇએ પણ ટેકાના ભાવથી ખરીદેલો કપાસ મોંઘો કરાઇ રહ્યો છે. સીસીઆઇએ રૂ. 67000નો ભાવ કરતા તેની અસરથી જિનર્સોનો ભાવ રૂ. 64000 ઉપર જતો રહ્યો છે.

એક ટેક્સટાઇલ ઉત્પાદક કહે છે, ઊંચા પ્રોસાસિંગ ચાર્જ અને અનેક પાવરલૂમ યુનિટ બંધ થવાથી પુરવઠો સખત બની ગયો છે. તેમણે કહ્યું કે, ચીનમાં આ વર્ષે કોટન યાર્નની ભારે માંગ છે અને તેના કારણે ભાવમાં વધારો થયો છે. લગભગ ચાર વર્ષ પછી કોટન યાર્નના ભાવ પ્રતિ કિલો રૂ. 300 ના સ્તરે પહોંચી ગયા છે. ઇંધણ અને રસાયણોના ભાવમાં વધારો થયો છે તેની અસરે કાપડના ભાવ પણ વધતા જાય છે તેમ એક વિક્રેતાએ કહ્યું હતું. સ્થાનિક બજારમાં ભાવ પહેલેથી ઉંચા હતા. એવામાં ન્યૂયોર્ક વધ્યું એટલે આપણે ત્યાં વ્યાપક અસર થઇ છે. જોકે તહેવારોની સિઝનના નમૂના લેવાનું હજુ ચાલુ છે ત્યારે માગ પર માઠી અસર પડશે. જો ભાવવધારો નહીં કરાય તો ઉત્પાદકોને નુક્સાન જશે.

કપાસ અને રૂની હાજર માલની અછતને લીધે ટેક્સટાઇલ ઉત્પાદકોએ સરકારને આયાત જકાત હળવી કરવા માટે કે દૂર કરવા માટે રજૂઆતોનો દોર ચલાવ્યો છે. જોકે વાવેતરની મોસમ માથે છે અને ઉત્તર ભારતમાં વાવણી શરૂ પણ થઇ ચૂકી છે ત્યારે સરકાર ડયૂટી અંગે કોઇ નિર્ણય લે તેમ નથી. ઉલ્ટું સરકારે ટેકાના ભાવની જાહેરાત માટે મથામણ કરવાની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક