પિયજગામ પાસે નર્મદાની કેનાલમાંથી બે દીકરીઓના મૃતદેહ મળ્યા : પેટ્રોલપંપના માલિકની શોધખોળ
અમદાવાદ,
તા.8: ગાંધીનગર જિલ્લાના બોરીસણા ગામના રહેવાસી અને કલોલના વડસર સહિત અન્ય 2 સ્થળોએ
પેટ્રોલ પંપ માલિક તરીકેની ઓળખ ધરાવતા ધીરજભાઈ રબારી બે નાની દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું
બહાનું આપીને પોતાની ગાડી લઈને ઘરેથી નીકળ્યા હતા. મોડી સાંજ સુધી તેઓ પરત ન ફરતા પરિવારજનોએ
ગભરાઈને ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ધીરજ રબારીના આપઘાતના પ્રયાસની આશંકા સાથે ગુમ
થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ
કરી હતી.
પોલીસ
દ્વારા શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન ધીરજભાઈએ મોડેથી પોતાના મોબાઈલનો પાસવર્ડ અને
ગાડીનું લોકેશન પરિવારને મોકલી આપ્યું હતું. આ લોકેશન શેરીસા નજીક નર્મદા કેનાલનું
હોવાથી તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કેનાલમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી
હતી. જોકે, ગઈકાલે રાત સુધી ત્રણેયની કોઈ ભાળ મળી ન હતી. આજે સવારે પરિસ્થિતિમાં વળાંક
આવ્યો, જ્યારે કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં
આવેલા પિયજ ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી બન્ને દીકરીઓના મૃતદેહ
મળી આવતા રબારી સમાજમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાંતેજ પોલીસ
સ્ટેશનના પી.આઈ. એસ. આર. મૂછાળએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ધીરજ રબારીનો
આપઘાતનો ઈરાદો હોવાનું જણાય છે, કારણ કે તેમની બન્ને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે.
ધીરજ રબારીની શોધખોળ હજી પણ ચાલુ છે, જ્યારે બન્ને દીકરીઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ
સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધીરજ રબારી સુખી-સંપન્ન પરિવારમાંથી
આવે છે અને તેમને 3 પેટ્રોલ પંપ માલિક તરીકેનો વ્યવસાય હોવા છતાં આટલું ગંભીર પગલું
કેમ ભર્યું, તે અંગેના સાચા કારણની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.