• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

પાટણમાં નકલી પોલીસનો સ્વાંગ રચી લોકો પાસે પૈસા પડાવતી ટોળકી પકડાઈ

એલસીબીની ટીમે છ શખસને દબોચી લીધા : નકલી આઈકાર્ડ, પોલીસનો ડ્રેસ, બુટ, 3 કાર, 11 મોબાઈલ અને રૂ.50 હજાર રોકડ મળી રૂ.18.12 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ, તા.7: રાજ્યમાં નકલી સરકારી અધિકારીની ભરમાર હોય તેવું લાગી રહ્યું છે. 6 દિવસ પહેલા રાજકોટમાંથી નકલી ક્રાઈમ બ્રાન્ચ બની પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપી રૂપિયા પડાવતો શખસ ઝડપાયો હતો. જે બાદ હવે પાટણમાંથી તો આખે આખી ક્રાઈમ બ્રાન્ચ જ ઝડપાઈ છે.

મળતી વિગતો અનુસાર, પાટણમાં પોલીસનો સ્વાંગ રચી તપાસના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતી તોડબાજ ટોળકી સક્રિય થઈ હોવાની ફરિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ ફરિયાદ મળ્યા બાદ બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન નકલી ક્રાઈમ બ્રાન્ચ બનેલા 6 શખસને ઝડપી લેવામાં આવ્યા હતા. પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને તોડબાજી કરતી ટોળકીના સાગરિતો રવેટા હોટલમાં રોકાયા છે. એલસીબીએ આ બાતમીના આધારે રવેટા હોટલમાં રેડ કરી હતી. પોલીસે હોટલના રૂમ નંબર 302માંથી આરોપીઓએ પકડી લીધા હતા. પોલીસને તેમની પાસેથી પોલીસનું નકલી આઈકાર્ડ, પોલીસનો ડ્રેસ, લાલ કલરના બુટ અને ખાખી મોજા પણ મળી આવ્યા હતા. આ સાથે પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 3 કાર, 11 મોબાઈલ અને રોકડા પ0000 એમ કુલ મળીને રૂપિયા 18.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક