બીચના કાંઠે શૂટિંગ દરમિયાન તણાયેલા સાત પૈકી છનો બચાવ, પરંતુ નવવધૂની માસીની દીકરી તણાઈને ગુમ થઈ
એનડીઆરએફ,
તરવૈયાની ટીમોએ લાપતા યુવતીની શોધખોળ હાથ ધરી
વેરાવળ,
તા.7 : વેરાવળ નજીક આવેલા આદ્રીના બીચ પર બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં
બીચના કાંઠે પ્રી-વાડિંગનું ફોટોશૂટ કરવા આવેલા ફોટોગ્રાફર સહિત ચાર યુવતીઓ અને ત્રણ
યુવક અચાનક આવેલી દરિયાની મોટી ઝડપી લહેરોની ચપેટમાં આવીને તણાઈ ગયા હતા. ત્યારે સદ્નસીબે
છ લોકો હેમખેમ બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો પરંતુ એક યુવતી દરીયામાં લાપતા બની
હતી. જે અંગે પોલીસને જાણ કરતા એનડીઆરએફના જવાનોએ શોધખોળ હાથ ધરી પરંતુ મોડી સાંજ સુધી
કોઈ પતો લાગ્યો ન હતો. આ કરુણ ઘટનાના પગલે લગ્નના પ્રસંગની ખુશી વાળા બન્ને પરિવારોમાં
માતમ છવાઈ ગયો હતો.
આ કરુણ
ઘટનામાં બચી ગયેલા એવા પ્રત્યક્ષદર્શી ફોટોગ્રાફર માળિયા હાટીનાના જાવીદ ભટ્ટીના જણાવ્યા
મુજબ નવા વરવધુ સહિત ચાર યુવતીઓ અને ત્રણ યુવકો પ્રી વેડીંગ ફોટો શૂટિંગ માટે આદ્રીના
બીચ ખાતે સવારે પહોંચ્યા હતા. દરિયા કાંઠે અગિયારેક વાગ્યા આસપાસ ફોટોશૂટ ચાલી રહ્યું
હતું તે સમયે અચાનક મોટું મોજું આવતા તેની ચપેટમાં અમો ફોટોગ્રાફર સહિત સાતેય લોકો
આવી જતા તણાવા લાગ્યા હતા. આ સમયે ચીસા ચીસ કરી પરંતુ આસપાસ કોઈ હાજર ન હોવાથી મહામહેનતે
અમારા પૈકીના એક ફોટોગ્રાફર ભાઈ બહાર નીકળી ગયો હતો. જેને એક પછી એક બધાને બહાર કાઢવા
લાગ્યો ત્યારે મોજાના પ્રવાહ વચ્ચે એકબીજાના હાથ પકડીને ઉભેલા અમે બહાર નીકળી રહ્યા
હતા. ત્યારે અમારી સાથે દરિયામાં હાથ પકડીને ઉભેલી જ્યોતિ નામની યુવતીનો હાથ છુટી જતા
તે દરિયામાં લાપતા બની હતી. અમો બધા કાંઠે હેમખેમ નીકળી ગયા બાદ પોલીસને જાણ કરી હતી.
જો
કે સ્થળ ઉપર દોડી આવેલા પોલીસ સ્ટાફે તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમને બોલાવી લાપતા બનેલી
યુવતીની શોધખોળ હાથ ધરી પરંતુ મોડીસાંજ સુધી પતો ન લાગતા બન્ને પરિવારોમાં ચિંતાની
લહેર પ્રસરી ગઈ હતી.
આ ઘટના
અંગે લાપતા બનેલી યુવતીના મામા દીપકભાઈ ગોહેલના જણાવ્યા મુજબ વર-કન્યા અને પરિવારની
ત્રણ દીકરીઓ તથા બે ફોટોગ્રાફર સહિત સાત લોકો ફોટોશૂટ માટે આદ્રી બીચ આવ્યા હતા. ફોટોશૂટના
અંતિમ ક્ષણે બનેલી કરુણ ઘટનામાં લાપતા બનેલી યુવતી જ્યોતીએ સાથી લોકોનો જીવ બચાવવા
હાથ છોડી દેતા લાપતા બની છે. જ્યોતિ કન્યાની માસીની દીકરી છે. વર-કન્યાના લગ્ન આગામી
તા.16 ના રોજ નિર્ધારીત હતા. હાલ આ ઘટનાના પગલે બન્ને પરિવારોમાં ચાલી રહેલો ખુશીનો
માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.