• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

ભાવનગરમાં દારૂ પકડવા ગયેલી પોલીસ પર એસિડ એટેક

પોલીસે બે શખસને પકડી લેતા મહિલા સહિતના ટોળાએ માથાકૂટ કરી : એક શખસે ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યો : નવ સહિતના શખસો વિરૂધ્ધ ફરજમાં રુકાવટનો ગુનો

ભાવનગર તા.7: ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં વિદેશી દારૂ અંગે દરોડો પાડવા ગયેલી એલ.સી.બી. પોલીસ ઉપર એસીડ ફેંકવાનો પ્રયાસ કરી વિદેશી દારૂ ભરેલી કાર ભગાડવાનો ટોળાએ પ્રયાસ કર્યો હતો. પોલીસે ટોળાનો પ્રતિકાર કરી ચાર શખ્સને ઝડપી લીધા હતા.હાથમાં ટયુબ લાઈટના ધોકા સાથે આવેલ મહિલા સહિતના ટોળાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ એક શખ્સે ફિનાઇલ પી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો,જો કે પોલીસે તેને રોકતા ટોળાએ ઝપાઝપી કરી હતી.આ બનાવ માં એક પોલીસ કર્મચારીને ઇજા પહોંચી હતી.

 પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર એલ.સી.બી. પોલીસ  રાત્રિના પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ચાવડી ગેટ,દેવીપૂજક વાસ વિસ્તારમાં ગ્રે કલરની મારૂતિ કંપનીની કારમાં અમુક માણસો ગોવાથી વિદેશી દારૂનો જથ્થો લાવીને દેવીપૂજકવાસમાં આવેલ રાકેશ મનુભાઈ શાહના મકાનમાં ઉતરવાના છે.આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ચાવડીગેટ દેવીપૂજકવાસમાં પાર્ક કરેલી કાર મળી આવી હતી અને કારમાં દિનેશ રાજુભાઈ શાહ,કિશન રાકેશભાઈ શાહ અને વિશાલ અજયભાઈ યાદવ મળી આવતા તેમની પૂછપરછ કરી હતી.દરમિયાન રાકેશ મનુભાઈ શાહ, અજય જેન્તીભાઇ ચુડાસમા, પ્રકાશ નરેશભાઈ શાહ, હાર્દિક ઉર્ફે બોમ્બ,આશાબેન રાકેશભાઈ શાહ તેમજ અજાણ્યા મહિલા અને પુરુષોનું ટોળું ટયુબલાઇટના ધોકા લઈને દોડી આવ્યું હતું અને દારૂ ભરેલી કાર ઉપર ધોકા પછાડી ચાલકને કાર લઈને ભાગી જવાનું કહ્યું હતું અને પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી.ટોળામાં હાજર એક શખ્સે એસીડની બોટલ પોલીસ કર્મચારી ઉપર ફેંકવાનો પ્રયાસ કરતા પોલીસ કોન્સ્ટેબલે શખ્સના હાથમાંથી એસીડની બોટલ ઝૂંટવી લીધી હતી.દરમિયાન પી. આઈ. એ. આર.વાળા,પી.એસ.આઇ. વી.સી.જાડેજા,પી.ડી.ઝાલા તેમજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિ કંટ્રોલ કરી હતી.પોલીસનો મોટો કાફલો આવી જતા ત્યાં હાજર અજય જેન્તીભાઇ ચુડાસમાએ ફિનાઈલની બોટલ ગટગટાવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ ફરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ માનદીપાસિંહ ગોહિલને કોણીના ભાગે ઇજા થઈ હતી.પોલીસે બનાવ સ્થળેથી દિનેશ રાજુભાઈ શાહ, કિશન રાકેશભાઈ શાહ, વિશાલ અજયભાઈ યાદવ અને રાકેશ મનુભાઈ શાહ ( રહે.તમામ દેવીપૂજકવાસ, ચાવડીગેટ) ને ઝડપી લીધા હતા.

આ બનાવ અંગે દિનેશ રાજુભાઈ શાહ, કિશન રાકેશભાઈ શાહ, વિશાલ અજયભાઈ યાદવ, રાકેશ મનુભાઈ શાહ, અજય જેન્તીભાઇ ચુડાસમા, પ્રકાશ નરેશભાઈ શાહ, હાર્દિક ઉર્ફે બોમ્બ, આશાબેન રાકેશભાઈ શાહ અને અજાણ્યા મહિલા અને પુરુષના ટોળા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી દારૂની 22 બોટલ સહિત 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક