ઈશ્વરીયા ગામના પિતા-પુત્ર અને આણંદના શખસ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : આરોપી સામે કડક કાર્યવાહીની માગણી
પોરબંદર,
તા.6: પોરબંદરના અનેક લોકો વિદેશ જવાના મોહમાં પૂરતી તપાસ કર્યા વગર ગમે તેને લાખો
રૂપિયા ચુકવી દેતા હોય છે. આ પ્રકારના અનેક કિસ્સાઓ બન્યા હોવા છતાં અને પોલીસ દ્વારા આ મુદ્દે જનજાગૃતિ ફેલાવાતી
હોવા છતાં લોકોની આંખ ઉઘડતી નથી ત્યારે વધુ એક કિસ્સો પોરબંદર પોલીસ ચોપડે નોંધાયો
છે. જેમાં બખરલાના યુવાન સહિત કુલ આઠ લોકોને ઇઝરાયેલ મોકલવાનો ભરોસો આપી ઇશ્વરીયાના
બે શખસો અને આણંદના એક ઇસમે સાથે મળીને રૂપિયા 56 લાખની છેતરપીંડી કરી હોવાનું બહાર
આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બખરલા
ગામે નવા વણકરવાસમાં રહેતા અને કડીયાકામની મજૂરી કરતા કનાભાઇ પુંજાભાઇ મારુ નામના
36 વર્ષના યુવાને કુતિયાણા પોલીસમથકમાં છેતરપીંડી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં
જણાવ્યુ છે કે છ મહિના પહેલા તેમના ગામના કિશન
મારૂ અને કરણ મારૂ બંને સીંગાપોર ખાતે કામધંધો કરવા ગયા હતા જેથી ફરિયાદી કનાભાઇ તેના
મિત્રો સાથે બેઠા હતા ત્યારે એવું જણાવ્યુ હતુ કે તેને પણ સીંગાપોર જવાની ઇચ્છા છે
અને તેના ગામના યુવાનોને ઇશ્વરીયા ગામના માધા રાજા રાઠોડે વિદેશ મોકલી આપ્યા છે જેથી
ફરિયાદી અને તેના મિત્ર પ્રવીણ મારુ એમ બંને
ઇશ્વરીયા ગામે માધાભાઇના ઘરે ગયા હતા. જ્યાં માધાનો પુત્ર જિજ્ઞેશ પણ હાજર હતો અને
સીંગાપોર જવાની વાત કરતા માધાએ એવું કહ્યું હતુ કે, ‘તમારે સીંગાપોર જવું હોય તો ફાઇલ
ખર્ચના 10 હજાર અત્યારે આપવા પડશે અને વીઝા આવ્યેથી રૂા.5.50 લાખ આપવાના થશે તેથી ફરિયાદીએ
હા પાડી હતી અને ઘરે પરત ફર્યો હતો.
ફરિયાદી
કનાભાઈ પોતાના ઘરે ગયા બાદ માધાએ તેના દીકરા જિજ્ઞેશના મોબાઇલમાં ગુગલ પેમાં રૂા.10
હજાર રૂપિયા મોકલી આપવા જણાવ્યુ હતુ. જેથી તા. 10-4ના રોજ ફાઇલખર્ચના 10 હજાર રૂપિયા
ગુગલ પે કરી દીધા હતા. ત્યારબાદ માધાએ ફોન કરીને ફરિયાદી કનાભાઈને એવું જણાવ્યુ હતુ
કે, ‘સીંગાપોરના વીઝા બંધ થયા છે તેથી ત્યાં જવાનું નહી થાય, ઇઝરાયેલમાં જવું હોય તો
વીઝા ચાલુ છે કહેજો.’ જેથી ફરિયાદીએ તેને ‘ત્યાં જવાનો ખર્ચ કેટલો આવશે?’આથી માધાએ
તેને એવુ જણાવ્યુ હતુ કે, ‘તમારા 10 હજાર રૂપિયા જમા છે અને ફાઇલખર્ચ 30 હજાર થશે તેથી
અલગથી 20 હજાર આપવાના રહેશે અને વીઝા આવ્યેથી 6 લાખ 70 હજાર આપવાના થશે અને ઇઝરાયેલ
જવાનો કુલ ખર્ચ 7 લાખ થશે.’ કહેતા માધાના કહેવા મુજબ તેના દીકરા જિજ્ઞેશના ગુગલ પેમાં
જયેશે 20 હજાર મોકલ્યા હતા. ફરિયાદીના 20 હજાર મળી 30 હજાર રૂપિયા ગુગલ-પે કરી દીધા
હતા. ત્યારબાદ તે રાણાવાવની સીમમાં મજૂરીકામે જતો હતો ત્યારે આદિત્યાણામાં રહેતા મિત્ર
સુરેશ ગાવિંદ પરમાર અને તેનો મિત્ર ધીરુ નથુ વાઘેલા એમ બંનેને પણ ઇઝરાયેલ જવાની ઇચ્છા
હોવાથી માધાભાઇ સાથે વાતચીત કરાવીને 60 હજાર રૂપિયા ફાઇલ ખર્ચના ચૂકવ્યા હતા. આદિત્યાણાના
રાજુ કારા બગડા, ધીરુ નથુ વાઘેલા, રવિ પોલા પાંડાવદરાએ રૂા.30-30 હજારની રકમ ચૂકવી
હતી. ત્યારબાદ રવિએ તેમના મિત્રો દેગામના ઋત્વીક
ભીમા ખરા અને આદિત્યાણાના વિજય રમેશ મારૂ સાથે વાતચીત થતા એ લોકોએ પણ ફાઇલ ખર્ચના
30-30 હજાર ચુકવ્યા હતા. બાદ તમામ લોકોને વોટસએપમાં માધા રાજા રાઠોડે ઇઝરાયેલમાં જવા
માટે યશ સુપરમાર્કેટ કંપનીના જોબ ઓફરનો લેટર મોકલાવ્યો હતો અને ત્યારબાદ તા. 29-8ના
વીઝા લેટર મોકલાવ્યો હતો. ત્યારબાદ માધાએ તમામને
ફોન કરીને પાંચ-પાંચ લાખ રૂપિયા જમા કરાવવા કહ્યુ હતુ તમામ પાસે અઢી-અઢી લાખ થાય તેમ હોઈ’ આથી માધાએ તેઓને એક વ્યક્તિના
અઢી-અઢી લાખ લેખે કુલ 15 લાખ રૂપિયા કુતિયાણામાં વચ્છરાજ કોમ્પલેકસની ઓફિસ ખાતે તા. 3-9ના કુલ 6 લોકોએ અઢી-અઢી લાખ લેખે 15 લાખ રોકડા આપી
દીધા હતા અને માધાએ તા. 5-9ના રોજ પોરબંદર એગ્રીમેન્ટ કરાવવા માટે કહ્યુ હતુ. ફરિયાદી
સહીતના લોકોના વીઝા આવ્યા ન હતા. તેથી આઠેય વ્યક્તિઓ સુદામા ચોકમાં આવેલી એડવોકેટની
ઓફીસે ગયા ત્યાં માઘો અને તેનો પુત્ર જીજ્ઞેશ તથા એક અજાણ્યો શખસ ત્રણેય બેઠા હતા.
ત્યારે માઘાએ આ અજાણી વ્યક્તિનું નામ વિશાલકુમાર નંદકિશોર અનાવત છે. તે આણંદ ખાતે રહે
છે અને આ અમારા મોટા સાહેબ છે તેમ કહ્યું હતું. બાદ વિશાલે રૂા.300-300ના આઠેય લોકોના
એગ્રીમેન્ટ કરાવ્યા હતા અને બાકીની રકમ જમા કરાવી દો એટલે મેડીકલ અને બાયોમેટ્રીકની
કામગીરી થઈ જશે તેમ જણાવ્યું હતું. બાદ આ રીતે બહાના બતાવી આઠેય વ્યક્તિઓ પાસે રોકડ
રકમ લઈ લીધા બાદ તા.8-9ના રોજ જયેશ મારૂના વ્હોટસએપમાં જોબ ઓફર લેટર અને વીઝા મોકલાવ્યા
હતા. તમામ પ્રક્રિયા કરાવ્યા બાદ તા.20-9ના રોજ આઠેય વ્યક્તિઓને મુંબઈ જવાનું છે અને
તા.24-9ના રોજ તમારી ઈઝરાયેલ જવા માટેની ફ્લાઈટ છે. ત્યારબાદ ફરિયાદી સહીત આઠેય લોકો
તા.20-5ના રોજ ટ્રેન મારફતે મુંબઈ પહોંચ્યા અને બે દિવસ માટે અંધેરીમાં રૂમ ભાડે રાખ્યા
હતા. દરમિયાન માઘા રાઠોડ મુંબઈ આવ્યો નહીં. દસ દિવસ સુધી માઘા રાઠોડની રાહ જોઈ પરંતુ
તે ન આવતા તમામ લોકો પાસે ખર્ચના પૈસા પણ ખુટી ગયા હતા. બાદ ફરિયાદી સહીત આઠેય લોકો
હેમખેમ પોરબંદર આવ્યા બાદ માઘા રાઠોડ પાસે રૂપિયા માગતા તેણે ખોટા વાયદાઓ અને બહાના
કાઢી તમામને રૂા.7-7 લાખના ચેક આપ્યા હતા. તે ચેક પણ બાઉન્સ થયા હતા. બાદ માઘા રાઠોડને
ફોન કરતા તેનો ફોન બંધ આવતા ફરિયાદી સહીત આઠેય લોકો સાથે રૂા.56 લાખની છેતરપિંડી થઈ
હોવાનું જણાતા આ અંગે કુતિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.