• રવિવાર, 09 નવેમ્બર, 2025

જેતપુરની મુખ્ય બજારમાં 5.40 લાખના દાગીનાની ચોરી

ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ ધોળે દિવસે ઘટનાને અંજામ આપ્યો

જેતપુર, તા.12: શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મતવા શેરી વિસ્તારમાં આવેલી ‘મહેન્દ્રકુમાર એન્ડ સન્સ’ નામની સોના-ચાંદીની પેઢીમાં શનિવારે સાંજના સમયે ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખસએ વેપારી યુવકની નજર ચૂકવી રૂ.5.40 લાખની માતબર કિંમતના સોનાના પેન્ડલની ઉઠાંતરી કરી પલાયન થઇ જતા સમગ્ર સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગેની પ્રાપ્ય વિગતો મુજબ, શહેરના ધોરાજી રોડ પર માધવ પાર્કમાં રહેતા 19 વર્ષીય વેપારી આદિત્યભાઇ તેજસભાઇ હરસોરા  શનિવારે સાંજે પોતાની મતવા શેરીમાં આવેલી દુકાને હાજર હતા.  તે દરમિયાન માથા પર સફેદ ટોપી અને મોઢા પર કાળા રંગનું માસ્ક પહેરેલો આશરે 30 થી 40 વર્ષનો એક હિન્દીભાષી શખસ દુકાનમાં પ્રવેશ્યો હતો.

આ શખસ કાનમાં પહેરવાની કડીઓ ખરીદવાના બહાને આદિત્યભાઇને વાતોમાં પરોવી દીધા હતા. વેપારી યુવક તેને અલગ- અલગ વેરાયટીની કડીઓ બતાવી રહ્યો હતો. તે દરમિયાન આરોપીએ યુવકનું ધ્યાન ભટકાવી કાઉન્ટર પર પડેલી સોનાના પેન્ડલ ભરેલી ડબી હાથ ચાલાકીથી સેરવી લીધી હતી. યુવક કંઇ સમજે તે પહેલાં જ આરોપી દુકાનની બહાર નીકળી ગયો હતો અને દુકાનથી થોડે દુર મોટર સાઇકલ ચાલુ રાખીને ઉભેલા પોતાના સાગરિત પાછળ બેસીને આંખના પલકારામાં ફરાર થઇ ગયો હતો.

યુવકને શંકા જતાં તેણે કાઉન્ટર તપાસ્યું તો પેન્ડલની ડબી ગાયબ હતી. ચોરી થયેલી ડબીમાં કુલ 58 જેટલા સોનાના પેન્ડલ હતા, જેનું વજન આશરે 50 ગ્રામ હતુન અને તેની કુલ કિંમત રૂ.5,40,000/- થાય છે. ઘટના બાદ જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક