જામનગર, તા 12 : જામનગરમાં એનઆરઆઈની ખેતીની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી વેચાણ કરી પચાવી પાડવાના કારસ્તાન અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના જયંત સોસાયટીમાં રહેતા
અને હાલ યુ.કે.માં સ્થાયી થયેલા અમિતભાઈ દામજીભાઈ શાહ યુકેમાં બિઝનેસ કરે છે. તેઓની જામનગર તાલુકાના વસઈ
ગામમાં આશરે 10 વીઘા ખેતીની જમીન આવેલી છે. 2024 સુધી તેઓની જમીન યથાવત જોવા મળી હતી.
પરંતુ તાજેતરમાં તેઓને ધ્યાનમાં આવ્યું હતું, કે પોતાની જમીનના દસ્તાવેજ વેચાણ અર્થે
જામનગર પંથકમાં ફરી રહ્યા છે. તેથી તેઓએ જામનગર આવીને ખરાઈ કરતાં તેમની જમીન અન્યના
નામે વેચાણ થઈ ગઈ હોવાનું અને ફરીથી મોટી રકમમાં વેચાણ કરવા માટેનો કારસો ચાલતો હોવાનું
ધ્યાનમાં આવ્યું હતું.
આથી તેઓએ જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી સમક્ષ અરજી
કરી હતી અને તપાસ કરાવતાં ઉપરોક્ત જમીન જામનગરમાં રહેતા ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરીના
નામે ટ્રાન્સફર થઈ ગઇ હોવાનું અને મુંબઈના અમિતભાઈ દામજીભાઈ શાહ નામના શખસે તેનો ખોટો
દસ્તાવેજ કરી આપ્યો હતો. ઉપરાંત તેમાં જામનગરના નવીનભાઈ રામજીભાઈ ગોરી અને મુંબઈના
વતની યોગેશ કેશવજીભાઈ શાહએ સાક્ષી તરીકે સહી કરી હતી. જેથી ઉપરોક્ત જમીનના ખોટા દસ્તાવેજો
બનાવનાર જામનગર અને મુંબઈના ચારેય શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સિક્કાના પી.આઈ.
જે જે ચાવડાએ તપાસ શરૂ કરી આરોપી ભગવાનજી ગોરી અને નવીન ગોરીને ઝડપી લઈ વધુ તપાસ હાથ
ધરી છે.